Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જુનાગઢમાં પોલીસ દ્વારા દિવાળી પૂર્વ જ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તૈયારી ૧૧૭ વાહનો ડીટેઇન

જૂનાગઢ,તા. ર૧ : ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા દ્વારા અધિકારીઓ તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી,  દિવાળીના તહેવારો પૂર્વે અત્યારથી જ પૂર્વ તૈયારી હાથ ધરી,  જૂનાગઢ શહેરના આઝાદ ચોક, જવાહર રોડ, મંગનાથ રોડ, દીવાન ચોક, માંડવી ચોક, ઝાંઝરડા રોડ, ખલીલપુર રોડ, ગાંધી ચોક, મોતીબાગ રોડ, વિગેરે સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા  તહેવારો પહેલા જ તૈયારી આરંભી, છેલ્લા ૧૦ દિવસમાં વાહન ચેકીંગ દરમિયાન લાયસન્સ વગર, વાહન લઈને નીકળી પડતા ટીન એજરો વિરુદ્ધ તેમજ બ્લેક ફિલ્મ લગાડીને ફરતા તેમજ નિયમોનો ભંગ કરતા ૧૭૦૦ જેટલા વાહન ચાલકોને આશરે રૂ. ૩,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવેલ છે તેમજ ૧૧૭ જેટલા વાહનો ડિટેઇન  કરવામાં આવેલ છે. આમ, કુલ આશરે ૧૮૦૦ વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તહેવારો દરમિયાન આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

 જૂનાગઢ  જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી  તથા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા  શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત જૂનાગઢ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ઈરાની ગેંગથી સાવચેત રહેવા માટે સમજાવવામાં  આવે છે. ઉપરાંત, હાલના  કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા પણ લોકોને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા પણ જાહેરાત કરી, સાવચેત કરવા ખાસ વ્યવસ્થા  પણ કરવા પણ આયોજન કરવામાં આવેલ હતી.

 આમ, જૂનાગઢ જિલ્લા  પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી  દ્વારા જૂનાગઢની જનતાને  તહેવારોના સમયમાં સાવચેત કરવા માટે જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે પણ કાર્યવાહી  કરવામાં આવેલ  છે.

(1:22 pm IST)