Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ધ્રોલના બસ સ્ટેન્ડ પાસે ટેન્કરે હડફેટે લેતા બાઇક ચાલક પિતાની નજર સામે પુત્રનું મોત

પિતા સારવારમાં : ટેન્કર ચાલક સામે ગુન્હો

ધ્રોલ,તા. ૨૧ : ધ્રોલમાં ભીડ વાળા વિસ્તાર એવા બસ સ્ટેન્ડ પાસે ખારવા ચોકડી નજીક એક ટેન્કર ચાલકે બાઇકને ઠોકરે લેતા ગંભીર રીતે દ્યવાયેલા પુત્રને પિતાની નજર સામે જ કાળ ભેટ્યો હતો. જયારે પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જામનગર તાલુકાના અલીયાબાડા ગામે રહેતા અમુભાઇ ખીમાભાઇ મકવાણા નામનો યુવાન બુધવારે બપોરે બાર વાગ્યાના અરસામાં તેના ખારવા રોડ પર સ્થિત ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતા પુત્ર સ્મિત (ઉ.વ.૧૦)ને બાઇક પાછળ બેસાડીને બસ સ્ટેન્ડ સામે ખારવા ચોકડી પાસે રોડ પર પસાર થઇ રહયો હતો. જે વેળાએ જામનગર તરફથી પુરપાટ વેગે આવતા ટેન્કર ચાલકએ બાઇક પર સવાર પિતા-પુત્રને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે દ્યવાયેલા માસૂમ પુત્ર સ્મિતનું પિતાની નજર સામે જ મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

જયારે ચાલક અમુભાઇને પણ શરીરે નાની મોટી ઇજા પહોચતા તેઓને તુરંત સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે રાજુભાઇ ખીમાભાઇ મકવાણાની ફરીયાદ પરથી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો છે. ઇજાગ્રસ્ત અમુભાઇ અલીયા ગામે રહેતા હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે. માસુમ બાળકના મૃત્યુથી પરીવારમાં ઘેરો શોક છવાયો છે. (તસ્વીર-અહેવાલ : સંજય ડાંગર-ધ્રોલ)

(1:25 pm IST)