Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સગાઓના ત્રાસના લીધે ભાગેલી પરપ્રાંતીય દિકરીને સમજાવી સલામત હાથોમાં સોંપતી 181 અભયમ્ ટીમ

181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી : જામનગર વિકાસગૃહમાંથી ભાગી નીકળેલી દીકરીને ફરી વિકાસગૃહની ટીમને સોંપતી ખંભાળિયાની અભયમ ટીમ

ખંભાળીયા : સમાજમાં જે અબળાનું કોઇ નથી તેની વહારે 181 અભયમ્ ટીમ હરહંમેશ હોય છે, જે રાજ્યના કોઇ પણ ખૂણે રહેલી મહિલા માટે અભયકવચની ગરજ સારે છે. 181 અભયમ્ ટીમની કામગીરીનો વધુ એક પરિચય તાજેતરમાં જ જોવા મળ્યો, જેમાં સગાઓના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ભાગેલી એક પરપ્રાંતીય દિકરીની સમજાવટ કરીને અભયમ ટીમે તેને જામનગર વિકાસગૃહના સલામત હાથોમાં સોંપી છે. 

દ્વારકા રેલ્વે પોલીસ (આરપીએફ) માંથી 181માં એક કોલ આવ્યો હતો, જેમાં એક દીકરી મળી આવી હોવાની જાણકારી અપાઈ હતી અને 181 અભયમ્ ટીમની મદદ માગવામાં આવી હતી. માહિતીના પગલે ખંભાળિયાની અભયમ ટીમ દ્વારકા ખાતે પહોંચી ગઈ હતી.
181 અભયમ્ ટીમે દિકરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે તે દિકરી મૂળ કર્ણાટકની છે. તેના માતા-પિતાની હયાતી રહી નથી. આ દિકરી તેના કાકા-કાકી સાથે કર્ણાટક રહેતી હતી. આ દિકરીની ફઇ અને ફુવા ખંભાળિયા ખાતે રહે છે. એક મહિના અગાઉ ફઇ-ફુવા આ દિકરીને સારી રીતે રાખીશું એમ કહી પોતાની જોડે ખંભાળિયા લઈ આવ્યા હતાં. પણ અહીં આ દિકરી પર જાણે દુઃખોની વર્ષા થવા લાગી હતી. ફઈ-ફુવા દિકરીને તેમના ઘરે બહુ જ ઘરકામ કરાવતા હતાં, જુદી જુદી હેરાનગતિ પણ કરતા. એક વખત જ્યારે તેઓ ફોન પર દિકરીને વેચી નાખવાની વાત કરી રહ્યા હતાં ત્યારે આ દિકરી એ વાત સાંભળી ગઇ હતી અને ત્યાંથી ભાગી ગઈ હતી.
જોકે આ દિકરી પોલીસને મળી આવતા બાદમાં તેને પોલીસની મદદથી અને CWCના આદેશથી વિકાસ ગૃહ જામનગર ખાતે રાખવામાં આવી હતી.  જામનગર વિકાસગૃહમાં માંડ થોડાક દિવસ રહ્યા બાદ આ દિકરી એક સવારે જામનગર  વિકાસગૃહ ખાતેથી ભાગી ગઇ અને રેલવે સ્ટેશન પહોંચી, જ્યાંથી તે જયપુર દ્વારકા ટ્રેનમાં બેસી ગઈ, જેના પગલે તે દ્વારકા ખાતે પહોંચી ગઈ. અહીં આ દિકરી રેલવે પોલીસને મળી આવી, જ્યાં તેઓને રેલવે પોલીસ મદદે આવી. રેલવે પોલીસે 181 અભયમમાં કોલ કરી આ દિકરી માટે મદદ માગી. 
181 અભયમની ટીમે દ્વારકા ખાતે પહોંચીને દિકરીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને વિશ્વાસમાં લઇ પૂછતાં જાણવા મળ્યું કે તે જામનગરના વિકાસગૃહમાંથી ભાગી છે. 181 અભયમની ટીમે તેને સમજાવી અને જામનગર વિકાસગૃહ નો સંપર્ક સાધ્યો અને વિકાસ ગૃહની ટીમના સલામત હાથોમાં આ દિકરી સોંપી. મદદે આવેલી 181 અભયમની ટીમનો દિકરીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો અને હવે પોતે નહીં ભાગે તેની ખાતરી પણ આપી હતી.

(8:16 pm IST)