Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જેતપુરમાં પાક નુકસાનીથી ખેડૂતોની હાલત કફોડી : સર્વે પણ નહિ કરાતા નિરાશા : પશુઓને ખેતરમાં પાક ચરવા મૂકી દીધા

ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કોંગ્રેસ ધારાસભ્યં લલિત વસોયાની ચીમકી

રાજકોટ : જેતપુર તાલુકાના વિરપુરમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં પશુઓને ચરવા માટે મુક્યા છે. આ ખેડૂતોનો આક્ષેપ છે કે વરસાદને કારણે તેમના ખેતરમાં નુકસાની ગઇ છે અને આજ દિન સુધી કોઇ સર્વે કરવા આવ્યો નથી. તેમજ મોટા પાયે પાકમાં નુકસાન જતા ખેડૂતે નિરાશ થઇ પશુઓને પાક ચરવા માટે મૂકી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ખેડૂતે 5 વિઘામાં ડુંગળી વાવી હતી, જે વધુ વરસાદને કારણે નિષ્ફળ નિવડી હતી.

જો કે સરકાર દ્વારા અતિવૃષ્ટિના પગલે સર્વે કરીને ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ દરમ્યાન રાજકોટ કોંગ્રસે પણ અનેક ખેડૂતોની જમીન અને ગામમાં સર્વે કરવામાં નહિ આવ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકારને વાસ્વતીક રીતે નુકશાનીનો રિ- સર્વે કરવાની માંગ કરી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા છે કે, ઉપલેટા તાલુકાના અનેક ગામના નામ લીસ્ટમાંથી ગાયબ છે. તેમણે સરકાર વિરૂદ્ધ ચીમકી ઉચ્ચારી છે કે, ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ અંગે જણાવતા ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે અધિકારીઓએ માત્ર ઓફિસમાં બેસીને નુકશાનીનો સર્વે કર્યો છે.

તેમજ વાસ્તવમાં ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હોત તો ખેડૂતોને થયેલ વાસ્તવિક નુકશાનનો ચિતાર સરકાર સુધી પહોંચ્યો હોત. તેમજ સર્વેમાં અનેક ગામોમાં નામ ગાયબ છે જયા સૌથી વધારે નુકસાન થયું છે. તેથી અમારી માંગ છે કે સર્વે ટીમ દ્વારા જે ગામોને વધુ નુકશાન થયું છે તેનો સર્વે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

(8:42 pm IST)