Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભવનાથમાં ચંદનના વૃક્ષનું છેદન કરી લાકડાની ઉઠાંતરીથી ખળભળાટ

લાલઢોરી અને પુનિત આશ્રમ વચ્ચે અતિપવિત્ર અંદાજે 4 ફૂટનો ઘેરાવો ધરાવતા 12થી વધુ ચંદનના વૃક્ષનું છેદન અને લાકડાની ચોરી : આરોપીને કડકમાં કડક સજાની લાગણી

જૂનાગઢઃ ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ લાલઢોરી અને પુનિત આશ્રમની વચ્ચે આવેલા શેઢા ઉપર અલભ્ય અને અતિપવિત્ર એવા ચંદનના વૃક્ષનું જતન થઈ રહ્યું હતું, એ જતનને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગઈકાલ રાત્રી દરમિયાન અંદાજે 4 ફૂટનો ઘેરાવો ધરાવતાં 12 થી વધારે સુગંધ બેસી ગયાં પછીના ચંદનના વૃક્ષનું છેદન કરી ચંદનના લાકડાની ઉઠાંતરી કરવામાં આવી છે.

 ચંદનના  લાકડાની થયેલ ચોરીને લઈને પ્રકૃતિપ્રેમીઓ તથા સમગ્ર ભવનાથ વિસ્તારમાં આ સમાચારથી ખળભળાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ વન વિભાગ, એગ્રીકલ્ચર અને સરકારને અપીલ કરતાં કહ્યું કે, તાત્કાલિક ધોરણે જે કોઈ વ્યક્તિએ ચંદનના વૃક્ષનું છેદન કરી, તેની ચોરી કરી છે તેને પકડી પાડીને તેને કાયદેસર રીતે સજા થાય તેવી માંગ ઉઠી છે

ભૂતકાળમાં પણ ચંદનના લાકડાની ચોરીના અનેક બનાવો બન્યા છે, જેમાં જૂનાગઢ શહેરમાં આવેલ આઈ.જી.ઓફીસ, કલેક્ટર ઓફીસ, લાલઢોરી અને ગિરનાર ક્ષેત્રની ઘણી જગ્યાઓમાંથી ચંદન ચોરી થયાં હોવાના બનાવો બન્યાં છે. ત્યારે ભૂતકાળમાં થયેલાં ચંદન ચોરીના ગુન્હામાં કોઈ આરોપીની ધરપકડ થઈ છે કે કેમ? તેને શું સજા થઈ છે? તે અંગેની કોઈપણ માહિતી ખબર ન હોય, ત્યારે પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિકોએ ચંદનના વૃક્ષનું છેદન કરીને લાકડાની ચોરી કરનાર જે તે વ્યક્તિને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી તંત્રને અપીલ કરી છે>

(10:17 pm IST)