Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

નાગેશ્રી ટોલ પ્લાઝા મુદ્દે ધારાસભ્ય ડેરની રજુઆત

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા,તા. ૨૧: ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નું હજુ ફોરલેન કામગીરી સંપૂર્ણ પૂર્ણ પણ નથી થઈ તેમજ બીજી તરફ જૂનો નેશનલ હાઇવે અતિ બિસ્માર હાલતમાં છે એવી પરિસ્થિતિમાં આ નેશનલ હાઇવે પર નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પર ટોલ ઉઘરાવવાનું ચાલુ કરવામાં આવતા સરકાર અને નેશનલ હાઇવે નાં અધિકારીઓ સામે લોકરોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રિજીઓનલ ઓફિસ ગાંધીનગર ખાતે ચીફ જનરલ મેનેજરને પત્ર પાઠવતા રજૂઆત કરી હતી કે ભાવનગર-સોમનાથ-દ્વારકા સુધીના રસ્તાને ફોર અને સીકસલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રસ્તા ઉપર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામથી બે કિ.મી. દૂરના અંતરે ટોલ બુથ મુકીને કલેકશન શરૂ કરી દેવામાં આવેલ છે. જેના કારણે નાગેશ્રી અને તેની આજુબાજુના સ્થાનિક લોકોને તેમની રોજબરોજની યાતાયત માટે પણ ટોલ ફી વસુલાત કરવામાં આવે છે.

સદરહું નેશનલ હાઈવેના સર્વિસ રોડ કે વૈકલ્પિક રોડની સુવિધા ઉપલબ્ધ ન હોવાનાં કારણે સ્થાનિકો માટે આ નેશનલ હાઈવે સિવાયનો કોઈ અન્ય વિકલ્પ ઉપલબ્ધ નથી . તેવા સંજોગોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ફી (દર નિર્ધાર અને ઉદ્યરાવવા) નાં નિયમો ૨૦૦૮ ના નિયમ -૩ ના પેટા નિયમ ૪ તથા તેના પેટા ખંડ ( એ ) અને ( બી ) થી ઠરાવેલ જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંદ્યન થાય છે . તેમજ સદરહું નિયમોનાં નિયમ -૮ ના પેટા ખંડ ૧ અને ૨ ની જોગવાઈઓ નિગાહે લઈને સદરહું નેશનલ હાઈવે પર ટોલ કલેકશન માટેની સંબંધિત એજન્સી દ્વારા શોષણ કરવામાં આવે છે.

(1:01 pm IST)