Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જામનગરમાં પૂ. જલારામ બાપા જન્મજયંતીની સાદગીપુર્ણ ઉજવણીઃ ઘરમાં જ પુજન-આરતી કરવા અનુરોધ

જલારામ જયંતી મહોત્સવ સમીતીના નેજા હેઠળ પ્રતિકાત્મક રીતે લોહાણા મહાજનવાડીમાં મંગળા આરતી, હાપા સ્થિત જલારામ મંદિરે સંધ્યા આરતી થશેઃ સાધના કોલોની સ્થિત જલારામ મંદિરે પણ પ્રતિકાત્મક રીતે પુજન-અર્ચન આરતી કરાશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૧: જામનગરમાં આ વર્ષે જલારામ જયંતીની ઉજવણી અંતર્ગત લોહાણા સમાજના સમુહ ભોજન સહીતના તમામ સામુહીક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. જો કે કારતક સુદ-૭ તા.ર૧-૧૧-ર૦ર૦, શનીવારના રોજ જલારામ જયંતીની ઉજવણી સાદગીપુર્વક અને સંયમપુર્ણ રીતે પુજન-અર્ચન અને આરતી કરવામાં આવશે. તમામ જલારામ ભકતોને જલારામ જયંતીના દિવસે તા.ર૧-૧૧-ર૦ર૦ના રોજ સધ્યા આરતી સાથે પૂજન-અર્ચન ઘરમાં કરવા જલારામ જયંતી મહોત્સવ સમીતીના જીતુભાઇ લાલે અનુરોધ કર્યો છે.

છોટી કાશી તરીકે ઓળખ ધરાવતા જામનગર શહેરમાં પ્રતિ વર્ષ કારતક સુદ-૭ ના દિવસે શનીવારે જલારામ જયંતીની ઉજવણી રઘુવંશી સમાજ દ્વારા ભકિતભાવ સાથે ધામધુમથી કરવામાં આવે છે. આ ઉજવણી કરતી સંસ્થા જલારામ જયંતી મહોત્સવ સમીતીના જીતુભાઇ લાલના જણાવ્યા પ્રમાણે આ પ્રવર્તમાન દિવસોમાં કોરોના મહામારીનું સંકટ હજુ પણ દુર થયું નથી ત્યારે હજારોની સંખ્યામાં એકઠા થવુ ઉચીત નહી હોવાથી આ વર્ષે જામનગરમાં જલારામ જયંતી પ્રસંગે યોજાતા લોહાણા જ્ઞાતિના સમુહ ભોજન તથા હાપા સ્થિત જલારામ મંદિર તેમજ સાધના કોલોની જલારામ મંદિર ખાતેના સમુહ આરતી-સમુહ ભોજનના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.

પરંતુ પૂ. સંત શ્રી જલારામ બાપા પ્રત્યેની આસ્થાના પ્રતિકરૂપે જલારામ જયંતી મહોત્સવ સમીતીના નેજા હેઠળ આ વર્ષે જલારામ જયંતીના અવસરે તા.ર૧-૧૧-ર૦ર૦ના સવારે લોહાણા મહાજનવાડી (પંચેશ્વર ટાવર પાસે) ખાતે સમગ્ર સમાજ વતી આયોજક સંસ્થાના સભ્યો દ્વારા પૂ. જલારામ બાપાની આરતી કરવામાં આવશે. તેમજ શહેરની વિવિધ પાંજરાપોળોમાં અબોલ ગાયોને ઘાસચારો તથા લાડુ આપીને પ્રતિકાત્મક રીતે ઉજવણી કરવામાં આવશે. એ જ રીતે જલારામ જયંતીના દિવસે હાપા સ્થિત જલારામ મંદિર તથા સાધના કોલોની સ્થિત જલારામ મંદિર પર કાર્યકરો તથા સભ્યો દ્વારા સંધ્યા આરતી કરીને સમસ્ત વિશ્વ કોરોનાથી વ્હેલી તકે ુકત થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે.

જામનગર શહેર જિલ્લામાં તમામ જલારામ ભકતો જલારામ જયંતીની ઉજવણી તા.ર૧-૧૧-ર૦ર૦ શનીવારના રોજ પોતાના ઘરમાં પૂ. બાપાની સંધ્યા આરતી તથા પૂજન અર્ચન કરીને કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે તેમ જીતેન્દ્ર એચ.લાલ (જીતુ લાલ) સદસ્ય શ્રી જલારામ જયંતી મહોત્સવ સમીતી જામનગરએ જણાવ્યું છે.

(1:30 pm IST)