Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગોંડલ એસ.ટી.ડેપોમાં પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા જ નથી! મુસાફરોમાં હાલાકી

મુસાફરોને બહારથી પાણીની બોટલો ખરીદી કરવી પડે છે

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા.રર : ગોંડલ એસ.ટી.ડેપોનું છેલ્લા ઘણા સમયથી સમારકામ ચાલુ છે. દિવસ-રાત મુસાફરોથી ધમધમતા એસ.ટી.ડેપોમાં મુસાફરોને પીવા માટે શુદ્ધ પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડે છે.

ગોંડલ એસ.ટી.ડેપોનું છેલ્લા બે વર્ષથી સમારકામ ચાલુ છે દીવસ-રાત ગુજરાતના નાના-મોટા શહેરોમાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉદયપુર, નાસીક, અંબાજી, દીવ, દાહોદ, દેવગઢ, બારીયા, જાલોદ, વગેરે રૂટની બસોનું આવન-જાવન થાય છે. અને બસ સ્ટેન્ડમાં મુસાફરોની પણ સતત ભીડ રહે છે. બહારના રાજયોમાંથી કામની તલાશમાં પર પ્રાંતીય લોકો પોતાના બાળકો સાથે પણ આવતા હોય છે. અને હજારો લોકોનું આવન-જાવન આ ડેપોમાં થાય છે. પરંતુ બહારથી આવતા મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની ડેપોમાં કોઇ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. મુસાફરોને બસ સ્ટેન્ડની બહાર પૈસા ખર્ચીને મુસાફરો પોતેજ પોતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરે છે. બસ સ્ટેશનમાં નળ સાથેનો પાણીનો ટાંકો છે. પરંતુ તેનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી મોટા મોટા શહેરોમાં આધુનીક બસ સ્ટેન્ડ તૈયાર થઇ ગયા છે.

પરંતુ ગોંડલ એસ.ટી.ડેપોમાં મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા નથી. આથી ગોંડલ એસ.ટી.ડેપોમાં મુસાફરોની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:33 am IST)