Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વિંછીયામાં સીએચસી ખાતે ૧૫ તબીબો સહિત ૧૦૧ ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૨ : હડતાલની સ્થિતીમાં પણ વર્ગ-૪ના કર્મચારીઓની સેવાએ રંગ રાખ્યો હતો. જિલ્લા એપેડેમીક ઓફિસર ડો.રાઠોડે લોકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે ખોટી અફવાઓને માન્યા વગર કોરોના વેકસીનેશનનો લાભ લેશો.

સમગ્ર દેશમાં કારોના વેકસીનેશનનો પ્રથમ રાઉન્ડ શરૂ કરાયો તે અન્વયે રાજકોટ જિલ્લાના વિંછીયા સી.એચ.સી. ખાતે રાજકોટ જિલ્લા એપેડેમિક ઓફિસર ડો.રાઠોડની ઉપસ્થિતીમાં ફ્રન્ટલાઈન કારોના વોરીયર્સ એવા ૧૫ તબીબો સહિત કુલ ૧૦૧ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને કારોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ તકે અત્રેના સી.એચ.સી. ખાતે કુલ ૩ રૂમ તૈયાર કરાયા હતા. જેમાં વેઈટીંગ અને રજીસ્ટ્રેશન રૂમ, વેકસીનેશન રૂમ તેમજ વેકસીન અપાયા બાદ ઓબ્ઝર્વેશન રૂમ એમ વ્યવસ્થા ગોઠવી જસદણ-વિંછીયાના સરકારી અને ખાનગી તબીબો ઉપરાંત મેલ બ્રધર્સ, નર્સ, ફીમેલ હેલ્થ વર્કર, આશા ફેસિલીટેટર, આશા વર્કર બહેનો સહિતના મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ સહિત કુલ ૧૦૧ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વિરોધી વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ તકે વિંછીયા તાલુકાના ભાજપ આગેવાન તેમજ લોકસેવા માટે હંમેશા તત્પર એવા ભુપતભાઈ કેરાળીયાએ ઉપસ્થિત રહી વેકસીનેશન વ્યવસ્થાને બીરદાવી હતી.

હડતાલની સ્થિતીમાં પણ વર્ગ-૪ ના કર્મચારીઓની સેવાએ રંગ રાખ્યો હતો. એક તરફ રાજય સરકાર દ્વારા કોરોના વેકસીનેશનનો પ્રારંભ કરાયો છે. ત્યારે જ એમ.પી.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ., સુપરવાઈઝર સહિતના આરોગ્ય વિભાગના મહત્વાના વોરીયર્સ ગ્રેડ-પેના મુદ્દે હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે વિંછીયા તાલુકાના ખુબ ઓછી સંખ્યામાં કરાર આધારિત ફીમેલ હેલ્થ વર્કર અને વર્ગ-૪ ના કર્મચારીઓ જેવા કે આશા ફેસિલીટેટર અને આશા વર્કર બહેનોએ વિંછીયા તાલુકાની પ્રજાની સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. આ તકે કોરોના સંક્રમણ સમયે પોતાની જિંદગી દાવ પર લગાવી અન્ય લોકોને સુરક્ષીત કરવા ઝઝુમતા એવા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત તમામ સંબંધીત કર્મચારીઓ અને સ્વયંસેવકોની નિષ્કામ સેવાને બીરદાવતા તેઓએ આ ફ્રન્ટલાઈન વોરીયર્સ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને કોરોના રસી વડે સુરક્ષીત કરવાના સરકારના નિર્ણયને હર્ષભેર વધાવ્યો હતો.

મોઢુકા પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર ડો.રાજા ખાંભલાએ દીપ પ્રગાટય વડે શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ માનવીય સંવેદનાની ચરમસીમા સુધી અસરકારતા દર્શાવી છે. વિશ્વભરમાં લોકોને આર્થિક, સમાજીક, માનસીક યાતના અને નુકસાની વેઠવી પડી છે. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ આપણા સમગ્ર દેશવાસીઓએ જે આત્મગૌરવ અને ધિરજપૂર્વક આ મુશ્કેલ સમયનો સામૂહીક એકતા સાથે સામનો કર્યો છે. ભારત દેશે કોરોના સામે સ્વદેશી રસીનું નિર્માણ કરી અને તેનું વિશ્વની મોટી જનસંખ્યામાં રસીકરણ સફળ શરૂ કરી સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવ્યું છે. તે સૌ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે.

આ તકે જિલ્લા એપેડેમીક ઓફિસર ડો.રાઠોડે લોકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ખોટી અફવાઓને માન્યા વગર કોરોના વેકસીનેશનનો લાભ લેવા અને રસીકરણ બાદ પણ સલામતીના પગલાઓ જેવા કે વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને સલામત અંતર જાળવવાની તકેદારી રાખવા હાકલ કરી હતી.

(11:42 am IST)
  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST