Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

માળીયા મિંયાણા પંથકમાં યુકેના નાગરિકો પાસેથી કોલ સેન્ટરના મધ્યમથી ખંખેરનારા મહિલા સહિત ૯ના રિમાન્ડની તજવીજ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રરઃ યુકેના નાગરિકોને ટેક્ષ ભરવાના ખોટા મેસેજ કરી રીટર્ન કોલમાં ખોટા નામ ધારણ કરીને ટેક્ષ ભરપાઈ કરવા મામલે જણાવીને પોતાના ખાતામાં પાઉન્ડથી રકમ મેળવી છેતરપીંડી આચરવામાં આવતી હોય જે કોલ સેન્ટર માળિયામાં કાર્યરત હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કરીને મહિલા સહીત નવ ઇસમોને દબોચી લીધા હતા અને લેપટોપ સહીત ૧.૭૬ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના મોટી બરાર ગામ પાસે એકલિંગ પેટ્રોલપંપ નજીક આવેલ બે માળના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હોય જ્યાંથી યુકેના નાગરિકોને કોલ કરીને નાણા ખંખેરતા હોવાની બાતમી મળતા માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતું સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકી એમ નવ ઇસમોને ઝડપી લીધા હતા તેમજ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો માળિયા પોલીસ ટીમે આરોપીને દબોચી લઈને મોબાઈલ, લેપટોપ, સહીત ૧.૭૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અને તેના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાઇ છે.

આરોપીઓ લેપટોપમાં આઈબીમ સોફ્ટવેર ડાઉનલોડ કરેલ હતું જે સોફ્ટવેર દ્વારા ડાયલર મારફત ડેટા લઇ યુકેના નાગરિકોને મેસેજ દ્વારા સંપર્ક કરી તમારો ટેકસ બાકી છે અને અમારો ફોન નંબર ૦૧૬૧૨૦૮૯૨૩૮ પર સંપર્ક કરો નહીતર તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવા ખોટા મેસેજ કરતા યુકેના નાગરિકોના રીટર્ન કોલ આવતા ખોટા નામ ધારણ કરીને યુકેના નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી જુદા જુદા એકાઉન્ટ નંબર આપી ટેકસ પેટે પાઉન્ડમાં નાણા પોતાના ખાતામાં મેળવી છેતરપીંડી આચરતા હોવાનો ખુલાસો થયો છે   

માળિયાના મોટી બરાર નજીકથી પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો કરીને આરોપીઓને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે તો અહી અંદાજે ૩ માસથી કોલ સેન્ટર ચાલતું હોય તેમજ ગઈકાલે એક જ દિવસમાં ચીટીંગ કરનાર ઇસમોના બેંક ખાતામાં ૩૩ લાખની રકમ આવી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કોલ સેન્ટર બપોરે ૨ વાગ્યા આસપાસ શરુ કરાતું હતું અને રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેતું હતું તો કોલ સેન્ટર ચલાવનાર ઈસમો અમદાવાદના હોય જે સોમવારથી શુક્રવાર સુધી કોલ સેન્ટર ચલાવતા અને શનિવારપ્રરવિવારની રજામાં અમદાવાદ ચાલ્યા જતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

(1:04 pm IST)