Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ફૂટપાથ-ઝૂંપટપટ્ટીના લોકોને ઠંડીમાં ગરમ ધાબળાની હૂંફ આપતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીમાં માવનીય સંવેદના અભિયાન હેઠળ ઠંડીમાં ઠુઠવાતા લોકોને ઠંડીથી રક્ષણ આપ્યું

મોરબી : શિયાળાના હાલ પોષ મહિનામાં ઠંડી બરાબર જામી છે. ત્યારે શહેરમાં ફૂટપાથ ઉપર રહેતા કે ઝૂંપટપટ્ટીમાં વસવાટ કરતા લોકો કાંતિલ ઠંડીમાં ગરમ વસ્ત્રોથી રક્ષણ મળે તે માટે સદાય સેવાકાર્ય માટે તત્પર રહેતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ આવા લોકોની વ્હારે ગયું હતું અને ફૂટપાથ ઉપર સુતેલા કે ઝૂંપટપટ્ટીમાં સુતેલા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા ઓઢાડીને આત્મીયતાની હૂંફ પુરી પાડી હતી.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઘણા સમયથી જુદાજુદા માનવીય સેવેદનાના પ્રોજકેટ ચાલે છે. તેમાનો એક પ્રોજેકટ માવનીય સંવેદના અભિયાન હેઠળ દર વર્ષે શહેરના માર્ગો ઉપર કે ઝુંપડા તેમજ રખડતું ભટકતું જીવન ગુજારાતા લોકોને ઠંડીથી રક્ષણ આપવા માટે ગરમ ધાબળા આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીની શરૂઆતમાં જ અવિરતપણે આ સેવાકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં કાતિલ ઠંડીમાં થર થર કાપતા ફૂટપાથ ઉપર તેમજ ઝૂંપટપટ્ટીમાં સુતેલા લોકોને યંગ ઇન્ડિયા ગ્રુપમાં કાર્યકરોએ ગરમ ધાબળા ઓઢાડીને ઠંડીથી રક્ષણ આપ્યું હતું. આથી ગરમ ધાબળાની સાથે આત્મીયજન જેવી હૂંફ મળતા આ લોકો ભાવુક બની ગયા હતા.

(11:21 am IST)