Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

કોરોના મૃતકોને મામુલી સહાય : આંકડામાં ગોટાળા : પરેશ ધાનાણી

અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પત્રકાર પરિષદમાં સરકારને આડે હાથ લેતા વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી  તા. ૨૨ : જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ નેતા વિપક્ષ અને અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણીની અઘ્‍યક્ષતામાં પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઇ હતી. જેમાં પરેશભાઇ ધાનાણી દ્વારા સરકારની અણઘડનિતીનો વિરોધ કરી કોરોનામાં મૃત્‍યુ પામેલા મૃતકોના પરિવારજનોને વળતર તેમજ કોરોનામાં મૃત્‍યુ પામનાર મૃતકોની સંખ્‍યા સહિત વિવિધ મુદાઓ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી પ્રજાજનોને જાગૃત કરાયા હતા.
આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પુર્વ નેતાવિપક્ષ દ્વારા સરકારને આડે હાથ લેતા જણાવ્‍યું હતું કે, કોરોનાથી મૃત્‍યુ પામેલા લોકોને વળતર ચુકવવા મામલે થયેલી અરજી બાબતનું આ સમગ્ર પ્રકરણ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલ છે. સરકારી ચોપડે જોઇએ તો નોંધાયેલા મૃત્‍યુદરથી ઘણી જ વધુ માત્રામાં અરજીઓ આવી છે. અત્‍યાર સુધીમાં ૯૧,૮૧૦ અરજીઓ આવી હતી જેમાંથી પ૮૮૪૦ અરજીઓ સરકારશ્રી દ્વારા મંજુર કરાઇ છે જયારે ૧પ૦૦૦ જેટલી અરજીઓ પેન્‍ડીંગ છે. આ ઉપરાંત પ૦૦૦ જેટલી અરજીઓ રીજેકટ કરવામાં આવી છે અને ૧૧૦૦૦ જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.
આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્‍યો છે તકનીકી કારણોસર લોકોની અરજીઓ નામંજુર કરવામાં ન આવે તેમજ આ અરજી નામંજુર કરવા પાછળનું કારણ શું છે તે પણ મૃતકના પરિવારને જણાવવું જોઇએ તેમજ મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં જરાપણ વિલંબ ચલાવી લેવાશે નહીં, ‘લોકો સરકારની દયા પર નથી જીવતા.... સરકાર વળતર ચુકવીને કોઇની પર ઉપકાર નથી કરતી' તેમ સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી જણાવેલ હતું.
આ ઉપરાંત ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા પ માસથી કહી રહયા છે કે ગુજરાતમાં કોરોનાને કારણે ૩ લાખ કરતા પણ વધુ મૃત્‍યુ થયા છે અને તેમના પરિવારોને NDMAની જોગવાઇ મુજબ રૂપિયા ચાર લાખ મળવા જોઇએ.
તેમજ વધુમાં ત્રણ દિવસ અગાઉ સુપ્રિમ કોર્ટમાં ગુજરાત સરકારે જણાવ્‍યું કે તેમણે ૬૮૩૭૦ કોરોના મૃત્‍યુ એપ્રુવ કર્યા છે અને બીજા ર૪૦૦૦ કલેમ પ્રોસેસમાં છે અને કુલ ૮૯૬૩૩ એ વળતર માટે અરજી કરેલ છે.
ગત અઠવાડીએ ધ સાયન્‍સ જનરલના ભારતમાં કોરોના મૃત્‍યુના રિપોર્ટમાં સ્‍પષ્‍ટ જણાવ્‍યું છે કે ભારતમાં મહામારીના કારણે સપ્‍ટેમ્‍બર ર૦ર૧ સુધીમાં ૩પ થી ૪૦ લાખ લોકોના મૃત્‍યુ થયા છે. WHO એ પણ હમણા જણાવ્‍યું છે કે તે ભારતના કોવિડ મૃત્‍યુ આંકડા પર વિશ્‍વાસ કરતું નથી.
આ ફેકુ સરકારને આપણે પ્રશ્‍ન પુછવો જોઈએ કે કોવિડ ટેસ્‍ટ કરાવ્‍યા વગર મૃત્‍યુ પામ્‍યા તેનું શું ? ૧૦૦૦૦ મૃત્‍યુ દર્શાવવા છે તેનું પણ શું ? આંકડા છુપાવવાને કારણે હજારો નિરાધાર બનેલા લોકો કલ્‍યાણ લાભથી વંચિત રહી ગયા છે તેનું શું ? કોરોના સહાયનું વળતર બધા જ ૩ લાખ પરિવારને જેના પરિવારજન સપ્‍ટેમ્‍બર ર૦ર૧ સુધી મૃત્‍યુ પામ્‍યા છે તેમને મળવું જોઇએ.
સરકાર મૃતક પરિવારજનો પાસે અરજી કરવાની કેમ અપેક્ષા રાખે છે ? તેણે હોસ્‍પીટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવાની સરકારની ફરજ પડે છે. આંકડા છુપાવનાર વ્‍યકિત સામે પગલા પણ લેવા જોઇએ. તેમજ જે જે સરકારી કર્મચારીઓના મૃત્‍યુ થયા છે તેના પરિવારજનોને નોકરી આપવી જોઇએ.
આ ગરીબ વિરોધી સરકાર અત્‍યારે ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસાપાત્રતા કેટલી ? સરકારે પોતાની અક્ષમતા અને ભુલનો સ્‍વીકાર કરી સારી તૈયારી કરવી જોઇએ તેમજ આરોગ્‍ય વ્‍યવસ્‍થા સુધારવી જોઈએ જેથી ત્રીજા વેવમાં થતા નુકશાનથી આમ જનતા અને ગરીબ લોકોને બચાવી શકાય.
શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું હતું કે, સરકાર કોવિડથી મૃત્‍યુ પામેલ દરેક મૃતકના પરિવારજનને રૂા. ૪ લાખનું વળતર આપે, કોવિડ ગ્રસ્‍ત તમામ દર્દીઓના તમામ મેડીકલ ખર્ચની રકમની ચુકવણી કરે, સરકારી તંત્રની ઘોર નિષ્‍ફળતાની ન્‍યાયીક તપાસ થવી જોઇએ, કોવિડથી મૃત્‍યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/પરિવારજનો પૈકી કાયમી નોકરી મળે તેવી સુવ્‍યવસ્‍થા કરવી જોઇએ. જયાં સુધી આ તમામ માંગણી ગુજરાત સરકાર નહી સ્‍વીકારે ત્‍યાં સુધી કોંગ્રેસપક્ષ ગરીબ પ્રજા અને આમ જનતા વતી સરકારને ઘેરી ન્‍યાય માટે સંઘર્ષ કરતી રહેશે. તેમ અંતમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું. આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા તથા અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઇ પંડયા ઉપસ્‍થિત રહયા હતા.

 

(1:35 pm IST)