Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સુરેન્‍દ્રનગર જિલ્લાના મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ

સુરેન્‍દ્રનગર તા.૨૨ : સુરેન્‍દ્રનગર જિલ્લાના નોડલ અધિકારીશ્રી, સ્‍થાનિક સ્‍વરાજય ચૂંટણી અને લાયઝન અધિકારીશ્રી - સ્‍વીપ એ સંયૂક્‍ત અખબારી યાદી દ્વારા સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

 સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી-૨૦૨૧ અન્‍વયે સુરેન્‍દ્રનગર જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનું મતદાન તા. ૨૮મીએ રોજ યોજાનાર છે. જે અંતર્ગત નગરપાલિકાની ચુંટણીમાં દરેક મતદાર પોતાના વોર્ડમાં વધુમાં વધુ ચાર મત આપી શકે છે. મતદારે ઇ.વી.એમ.માં પોતાની પસંદના ચાર ઉમેદવાર અથવા ચાર પૈકી જેટલા ઉમેદવારોને મત આપવાનો હોય તેમના નામ સામેના ભૂરા બટન વારા ફરતી દબાવવાના રહેશે. એક ઉમેદવારની સામેનું બટન દબાવવાથી તેની બાજુમાં લાલ લાઇટ થશે. લાલ લાઇટ થાય ત્‍યારબાદ જ બીજા ઉમેદવાર સામેનું બટન દબાવવાનું રહેશે.

વધુમાં વધુ ચાર ઉમેદવાર સામેના બટન દબાવ્‍યા બાદ સૌથી છેલ્લે પીળા રંગનું રજીસ્‍ટર બટન દબાવવું અનિવાર્ય છે. મતદારનો મત પીળા રંગના રજીસ્‍ટર બટન દબાવ્‍યા પછી જ નોંધાશે. કોઇપણ ઉમેદવારને મત ન આપવો હોય તો મતદાર નોટા વિકલ્‍પ (નોટા ઉપર પૈકી કોઇ નહિ) નો ઉપયોગ પણ કરી શકે છે. જો મતદાર કોઇપણ ઉમેદવારનું અથવા નોટા વિકલ્‍પ (નોટા ઉપર પૈકી કોઇ નહિ) નું બટન દબાવી દે પછી જો પંસદગી બદલવા માંગે તો તે દબાવેલ બટન ફરીથી દબાવી પંસદગી રદ્દ કરી શકે છે અને નવેસરથી પંસદગી કરી શકે છે. આ પ્રક્રિયા રજીસ્‍ટરનું પીળું બટન દબાવ્‍યા પહેલા જ કરી શકાશે.

(11:47 am IST)