Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પોરબંદરમાં મુખ્યમંત્રી વચન મુજબ નવું બંદર માપલાવાડીમાં સાકાર કરવા ખારવા સમાજની માંગણી : ફિશીંગ ઉદ્યોગ સજ્જડ બંધ

બંદર વિસ્તારમાં ફિશ એકસપોટર્સ, તથા મત્સ્યોદ્યોગને લગતા તમામ નાના મોટા ધંધા બંધ : માછીમારો ફિશીંગમાં ગયાં નહી : ગઇકાલે સાંસદ સાથે ખારવા સમાજની મીટીંગ બાદ કોઇ હલ નીકળ્યો નહીં : ઉગ્ર આંદોલનની ચીમકી

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. રર :  ખારવા સમાજની માંગણી મુજબ સરકાર દ્વારા નવું બંદર શહેરથી દૂર કુછડીને બદલે જુના બંદર પાસેે માપલાવાડીમાં નવું બંદર બનાવવા  અન થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપેલ વચન મુજબ નવું બંદર બનાવવાની માંગણી સાથે ખારવા સમાજ દ્વારા ફિશીંગ ઉદ્યોગમાં આજે સજ્જડ બંધ પળાયો છે.

ફિશીંગ ઉદ્યોગમાં બંધને પગલે બંદર વિસ્તાર સુમસામ જોવા મળે છે, બંદર વિસ્તારમાં ફિશ એકસપોટર્સ આઇસ ફેકટરી તેમજ ફિશીંગ ઉદ્યોગને લગતા તમામ નાના મોટા ધંધા બંધ રહેલ છે.

ગઇકાલે સાંસદ રમેશભાઇ ધડુકે ખારવા સમાજના પંચાયત મંદિરે મુલાકાતે આવીને સમાજના વણોટ તથા આગેવાનો સાથે મીટીંગ યોજી હતી પરંતુ મીટીંગ બાદ કોઇ હલ આવ્યો નહોતો.

ખારવા સમાજની માંગણી મુજબ માપલાવાડીમાં બંદર સાકાર નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખારવા સમાજે આપી છે.

સરકારે ૪૦૦ કરોડના ખર્ચે કુછડીમાં નવું બંદબ બનાવવાની જાહેરાત કર્યા બાદ આ બંદર શહેરથી દૂર હોય અને માછીમારોને અનેક ભૌગોલિક અડચણો હોય ખારવા સમાજ દ્વારા કુછડી બંદરનો વ્યાપક વિરોધ થયેલ હતો દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોરબંદર આવ્યા ત્યારે ખારવા સમાજ દ્વારા રજુઆત કરતા મુખ્યમંત્રી વિજયભાઇએ ખારવા સમાજની માંગણી મુજબ ખારવા સમાજ જયાં કહે  ત્યાં નવું બંદર બનાવવાનું વચન આપ્યું હતું.

મુખ્યમંત્રીના વચન બાદ ગાંધીનગરથી સર્વે ટુકડી આવી હતી અને જુના બંદરે સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ ચર્ચા મુજબ સર્વે બાદ ગરબડ શરૂ થઇ હતી અને કુછડીમાં ૧૬ બંદર બનાવવાની હિલચાલ શરૂ થતા તે સામે ખારવા સમાજે ઉગ્ર વિરોધ નોંધાવેલ છે.  એવી પણ ચર્ચા છે કે એક કથિત લેટરથી કુછડીમાં બંદર બનાવવાની હિલચાલ શરૂ થયાંનો ખ્યાલ  આવેલ હતો. જે પાછળ એક વી.આઇ.પી. ચર્ચીત બનેલ રાજકીય નેતા દ્વારા ઉઠાવતા લાભ સામે ખારવા સમાજે જાગૃતિ દર્શાવીને પોતાના હકક માટે માંગણી કરી રહેલ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોરબંદરની બારમાસી જેટી સાથે સંરક્ષણ જેટી બનાવવાના સમયે પોરબંદર આવેલ અને પોરબંદરને ફ્રીપોર્ટ બનાવાની જાહેરાત કરી હતી જે જાહેરાત હજુ આજે પણ હવામાં છે. કશી કામગીરી થઇ નથી. કુછડી કાંઠે જો બંદર બને તો દેશ દોહી તત્વો સીધી ઘુસણખોરી કરે તેવો ભય છે. તેમજ અન્ય ભૌગોલિક પ્રશ્નો માછીમારોને છે ખારવા સમાજ દ્વારા માપલાવાડીમાં નવું બંદબર સરકાર કરી માછીમારોના ડ્રેજીંગ સહિત પ્રશ્નો ઉકેલવા માંગણી ઉઠી છે.

(1:26 pm IST)