Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જૂનાગઢની ફાયનાન્‍સ બેંક સાથેની રૂા. ૧.૩૦ કરોડની છેતરપીંડી બેંક મેનેજર સુનીલ ઘોસની ધરપકડ

બેંકના વોલ્‍ટમાં રમકડાની ખોટી નોટો મુકીને લઇ વિશ્વાસઘાત આચરેલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૨: જૂનાગઢની ફાયનાન્‍સ બેંક સાથેની રૂા. ૧.૩૦ કરોડની છેતરપીંડીના બેંક મેનેજર સુનીલ ઘોસની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ સ્‍થિત કલ્‍પવૃક્ષ શોપ નં.૯માં ઇકવીટાસ સ્‍મોલ ફાયનાન્‍સ બેંક આવેલ છે. જેની કેશમાંથી ૧.૩૦ કરોડની વધુની રોકડ રકમ ઉપાડી તેના બદલે રૂા. ૧.૩૦ કરોડની ખોટી ચલણી નોટો મૂકી દેવામાં આવેલ હોવાનું બહાર આવેલ.

આ કારસ્‍તાન બહાર આવતા બેંકના સુરત ખાતે રહેતા રીજીયોનલ બિઝનેસ મેનેજર હિમાંશુભાઇ મહેન્‍દ્રભાઇ ભરખડાએ શનીવારની રાત્રે બેંકના જ મેનેજર ગોંડલ ખાતે રહેતા સુનીલ સીધ્‍ધીપ્રસાદ ઘોસ સામે બેંકની કેશ (વોલ્‍ટ)માંથી રૂા. ૧ કરોડ ૩૦ લાખ ૭૬ હજાર ૧૦૦ની રોકડ રકમ અંગત ઉપયોગ માટે ઉપાડી અઅને તેના બદલામાં ખોટી રમકડાની નોટ મુકી દઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત આચર્યો હોવાની ફરિયાદ કરી હતી.

જેના આધારે બી ડીવીઝન પોલીસે મેનેજર સુનીલ ઘોસ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

એસ.પી. રવિ તેજા વાસમની સુચના અને ડીવાયએસપી પી.જી.જાડેજાના માર્ગદર્શનમાં પી.આઇ. આર.બી.સોલંકીએ ત્‍વરિત તપાસ હાથ ધરી હતી અને ગઇ કાલે સાંજે મેનેજર સુનીલ ઘોસની ધરપકડ કરી લીધી હતી. આજે તેને વધુ પુછપરછ અને તપાસ માટે રીમાન્‍ડ પર લેવાશે.

આ ગુનામાં બેંક મેનેજર સિવાય બેંકના અન્‍ય કોઇ કર્મચારીની સંડોવણી ખુલી નથી. મેનેજરે જ કારસ્‍તાન કર્યું હોવાનું જણાય છે. પી.આઇ.સોલંકી વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.

(1:26 pm IST)