Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત

આખો દિવસ ઉકળાટ બાદ સાંજે કોઇ જગ્યાએ વરસી જતુ માવઠુ

જામજોધપુરનાં ગોપમાં માવઠાથી ખેડૂતોમાં ચિંતા : જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામે કાલે બપોરના સમયે કરા સાથે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ સાંજના સમયે કોઇ કોઇ જગ્યાએ માવઠુ વરસી જાય છે.

ગુજરાતમાં કાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૦.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે. જયારે રાજકોટમાં ૪૦.૬, અમદાવાદમાં ૩૯.૮ ગાંધીનગરમાં ૩૯.૮ અને ભુજમાં ૩૯ ડીગ્રી તાપમાન અને જામનગરમાં ૩૭.પ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સુધી આ તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ૩૯.૮ ડીગ્રી, વડોદરામાં ૩૮.૮ ડીગ્રી, ડીસામાં ૩૮.પ, વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૩, સુરતમાં ૩૬, વલસાડમાં ૩૭, અમરેલીમાં ૩૯.પ, ઓખામાં ૩૧.૮, પોરબંદરમાં ૩૪.ર ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

જુનાગઢમાં ભેજ વધતો અહસ્ય બફારો-ગરમી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢમાં સવારે ભેજ વધતા અસહ્ય બફારો અને ગરમીનું આક્રમણ થયું છે.

છેલ્લા ૪ દિવસથી વહેલી સવારે થતી ઝાકળવર્ષા આજે પણ યથાવત રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેવાની સાથે આકાશમાં વાદળા છવાય જતા બફારો વધ્યો હતો. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. સવારનું લઘુતમ તાપમાન ર૧.૪ ડીગ્રી રહ્યા બાદ મહત્તમ તાપમાન ૩૯.પ ડીગ્રી રહેવાની શકયતા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરનું મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી, લઘુતમ ર૪.પ ડીગ્રી, હવામાં ભેજ ૮૬ ટકા અને પવનની ઝડપ ૮.૩ કી.મી. રહી હતી.

(10:59 am IST)