Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોનાગ્રસ્ત દર્દીઓને પડતી મુશ્કેલી નિહાળીને ગાંધીધામની મસ્જિદમાં ૨૫ બેડ સાથે સાર્વજનિક કોવિડ કેર સેન્ટર શરૂ

મુસ્લિમ અને હિન્દુ આગેવાનોની પહેલથી અત્યારે ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ, સ્ટાફ અને સાધનો મળ્યેથી વધુ સુવિધા વિકસાવવાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૨:  કચ્છમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સેવા માટે આગળ આવી રહી છે. કચ્છના રાજકીય અને સામાજિક આગેવાન અને ગાંધીધામમાં રહેતાં હાજી જુમા રાયમાએ જણાવ્યાનુસાર અત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોના તબીબી સારવારમાં પડી રહેલી મુશ્કેલી સંદર્ભે મદદ માંગતા દરરોજ સતત સો થી સવાસો ફોન આવે છે. તે નિહાળીને હાલમાં ગાંધીધામના મુસ્લિમ અને હિન્દુ આગેવાનોએ કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ બનવા પહેલ કરી તયબાહ મસ્જિદની અંદર ૨૫ બેડનું સાર્વજનિક કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે.

પ્રાથમિક તબક્કે જે દર્દીને ઓકિસજનની જરૂરત હશે તેમને ઓકિસજનની સુવિધા અપાશે. નાજુક પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને જરૂર પડ્યે વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવા એક એમ્બ્યુલન્સ રાખી દર્દીઓના પરિવારજનો કહે તે હોસ્પિટલમાં પહોંચાડી આપવામાં આવશે. અહી મહિલા દર્દીઓ માટે અલગ સુવિધા કરાઈ છે.

તો, દર્દી સાથે એક જણ રહી શકે તે માટે પણ અલગ વ્યવસ્થા છે, જેથી દર્દીની તબિયત નાજુક બને તો અન્યત્ર સ્થળાંતર નો નિર્ણય કરી શકાય. હાજી જુમા રાયમાની યાદી અનુસાર ગરીબ દર્દીઓને મદદ કરાશે. અહીં ભોજન, ફળ, નાસ્તા, પાણીની વ્યવસ્થા મારવાડી યુવા મંચ દ્વારા કરાઈ છે. અહી દાખલ થવા માટે સંજય ગાંધી મો. ૯૮૨૪૦૮૦૮૫૧, શાહીદ રાયમા ૯૮૭૯૫૭૫૭૯૨, મહિલાઓ માટે સલમાબેન ગંઢ ૯૬૩૮૫૧૧૦૭૫ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:40 am IST)