Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

સોમનાથ હાઇ-વે રામમંદિર સુધી ચાર માર્ગીય બનશે

સોમનાથ મંદિરના 'આઇકોનીક' યોજના હેઠળ મંદિરના વિકાસ માટેના ૧૬ જેટલા પ્રોજેકટો ભારત સરકાર - ગુજરાત સરકારમાં મોકલાયા

(મિનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.રર : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યું હતું કે શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના પ્રસાદ યોજના હેઠળ ચાર પ્રોજેકટો પુર્ણ થતાં હવે આઇકોનીક યોજના હેઠળ ભારત સરકાર પ્રવાસન મંત્રાલય ગુજરાત સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી કુલ ૧૬ જેટલા પ્રોજેકટો વિચારણા અર્થે રજુ કરવામાં આવ્યા છે જે ક્રમશઃ મંજુર થયે સોમનાથ તીર્થમાં આવતા તમામ યાત્રિકો માટે સુવિધાઓ અને આકર્ષણોમાં નોંધપાત્રવધારો થશે.

આ ઉપરાંત હાઇવે ત્રિકોણથી શ્રી રામમંદિર સુધીના દ્વિમાર્ગી રસ્તાને ચાર માર્ગીય કરવા માટે મંજુરી અપાઇ ચુકી છે. વિશેષમાં મેળાના મેદાનને દિવાલથી સુરક્ષીત કરી ઉંચા ઓવરબ્રીજ દ્વારા નેશનલ હાઇવે સાથે એલાઇમેન્ટ કરવામાં આવી રહયુ છે.

સોમનાથ મંદિર પરિસરમાં બંધાનાર પાર્વતી માતા મંદિર માટેનું ટેન્ડર પણ બહાર પડી ગયેલ છે અને ટુંક સમયમાં પ્રોજેકટ શુભારંભ થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ અહલ્યાબાઇ મંદિરના રીનોવેશન કામગીરી પુર્ણ થયેલ છે અને લગભગ ર૪૦ વરસ જુના મંદિરના પ્રવેશદ્વારને પુર્વાભિમુખ અને શિવલિંગ સન્મુખ કરવાથી શ્રધ્ધાળુઓને પસંદ આવ્યું છે. જેમાં ર હોલ અને ૧૬ દુકાનો સાથે ભુગર્ભના મંદિરમાં જવાનો ઢોળાવવાળો રસ્તો અને પુણ્ય શ્લોકો માતોશ્રી અહલ્યાબાઇની પ્રતિમાના દર્શન સાથે યાત્રાળુઓ માટે શ્રધ્ધામય આકર્ષણ બનશે.

(11:41 am IST)