Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

સારવાર સાથે સાધના : મોરબીના કોવિડ સેન્ટરમાં ભકિતભાવપૂર્વક રામનવમીની ઉજવણી

રઘુવંશી સમાજના કોવિડ સેન્ટરમાં ભગવાન રામની મૂર્તિને થાળમાં રાખી દરેક દર્દીઓને દર્શનનો લાભ અપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૨:  મોરબીના રઘુવંશી સમાજના કોરોના કેર સેન્ટરમા રામનવમીની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રીરામની મૂર્તિને થાળમાં રાખી આરતી કરીને દરેક દર્દીઓને દર્શનનો શ્રદ્ઘાભેર લાભ અપાયો હતો અને ભગવાન શ્રીરામ કોરોનાની બીમારીમાંથી મુકત કરાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિધાર્થી ભવન ખાતે લોહાણા સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે કોવિડ કેર સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડના દર્દીઓને સઘન સારવાર આપવાની સાથે દર્દીઓના મનમાંથી કોરોનાનો હાઉ દૂર કરવાના સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કોવિડ કેર સેન્ટરમાં ભગવાન શ્રી રામલલ્લાની જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર્દીઓ ભકિતમય બનીને પ્રભુની પ્રાર્થનાથી ઝડપથી સાજા નરવા થાય તે માટે સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિને થાળમાં બિરાજમાન કરી દીપ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી. બાદમાં પ્રભુ રામની મૂર્તિ સાથેનો થાળ કોવિડ દર્દીઓ સમક્ષ ફેરવવામાં આવ્યો હતો અને દરેક દર્દીઓ પ્રભુ શ્રીરામના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ પોતે કોરોનામાંથી ઝડપથી સાજા થાય ફરી સ્વસ્થ બનીને જીવન જીવી શકે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

(12:53 pm IST)