Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

વિવિધ કચેરીના અધિકારીઓ એકબીજા સાથે આંતરિક સંવાદ કરી સંકલન સાધે તે આવશ્યક:જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અમરેલી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

 

અમરેલી: જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને  અમરેલી કલેકટર કચેરી ખાતે  જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ કહ્યુ કે, વિવિધ કચેરીના અધિકારી - વડા એકબીજા સાથે આંતરિક સંવાદ કરી સંકલન સાધે તે આવશ્યક છે. જુદાં જુદાં વિકાસ કાર્યોનું અમલીકરણ થાય તે માટે દરેક અધિકારીઓને પ્રો એક્ટિવ થવા પણ તેમણે સૂચન કર્યુ હતુ.

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ વધુમાં કહ્યુ કે, ખાનગી કંપનીઓ દ્વારા સામજિક પ્રવૃત્તિ કરવામાં આવે તે વિશે અલગથી એક બેઠક બોલાવી સૂચના આપવામાં આવશે. જે - તે વિભાગના પ્રશ્નોનું નિરાકરણ થયું હોય તે અંગે જે - તે પદાધિકારીને જાણ કરવા તેમણે સૂચના આપી.

બેઠકમાં ઉપસ્થિત રહેલા સાંસદ નારણભાઈ કાછડીયાએ વિદ્યાર્થીઓને અપ ડાઉન માટે નિયમિત બસ સુવિધા, પશુ સુધારણા સહાય, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા, ખાનગી કંપનીઓ દ્વારા સામજિક પ્રવૃત્તિ થાય તે જોવા રજૂઆત કરી હતી.

લાઠી - બાબરા તાલુકાના ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર, ધારી - બગસરા તાલુકાના ધારાસભ્ય જે વી કાકડીયા અને સાવરકુંડલા - લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે, રસ્તા, પાણી, લઘુતમ વેતન, બંધારાનું સમારકામ, પાણીની લાઈન લીકેજ હોય તેના રિપેરિંગ, જૂના કર્મચારીઓના પેન્શન કેસ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

વાવાઝોડા દરમિયાન તૂટી ગયેલ સોલાર પેનલ સમારકામ, રેશનકાર્ડ, ખેડૂતોની જમીન પરની પેશકદમી દૂર કરવા, ડેમ વિસ્તારમાં ભરાયેલ ગાંડીવેલ દૂર કરવા, ગાંડા બાવળ દૂર કરવા, ખેડૂતોને ઉંચા મેડા બનાવવાની યોજનાકીય સહાય  આપવા, મુખ્ય માર્ગ પરના નડતરરૂપ બાંધકામ દૂર કરવા, બસ સ્ટેશનનું નવિનીકરણ કરવા, વીજ સંબંધિત પ્રશ્નો અને ભૂગર્ભ ગટર સંબંધિત કામગીરી અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોની અરજી બાબતે ઘટતું કરવા પણ ધારાસભ્યશ્રીઓએ રજૂઆત કરી હતી. આરોગ્ય સહાય, રસ્તા, જર્જરિત મકાન અને પાણીના ટાંકાઓના સમારકામ અને જરૂરી હોય તે નવા મકાનના નિર્માણ માટે રજૂઆત કરી. તેમણે મનરેગાની કામગીરી શરુ થાય તે માટે પણ ધારાસભ્યશ્રીઓએ ભલામણ કરી હતી. એ ઉપરાંત અલગ - અલગ જગ્યાઓ પર જરૂરી હોય ત્યાં કોઝ-વે બનાવવા અને ખેડૂતોને ખેતરમાં જવા માટે માર્ગની સુવિધા મળી રહે તે માટે પણ  ઘટતું કરવા જણાવ્યું.

સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે વાસ્મોની કામગીરી માટે આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર બેઠકનું સંચાલન અધિક કલેકટર વાળાએ કર્યુ હતુ.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, વન સંરક્ષક તથા વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:52 am IST)