Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કચ્છના દરિયાકાંઠેથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપનારાં 18 પોલીસ કર્મીઓને DRI દ્વારા પુરસ્કાર જાહેર

પાકિસ્તાની બોટ સાથે 13 જણાંને ઝડપનારી પશ્ચિમ કચ્છ પોલીસને ડીઆરઆઈએ રોકડ પુરસ્કારથી નવાજશે

ભુજઃ બે વર્ષ અગાઉ કચ્છના સમુદ્રકાંઠેથી 500 કરોડનું ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ સાથે 13 જણાંને ઝડપી પાડવાનું મહત્વનું ઓપરેશન પાર પાડનારી પશ્ચિમ કચ્છ પોલીસને ડીઆરઆઈએ રોકડ પુરસ્કારથી નવાજી છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા ઓપરેશનમાં જોડાયેલાં 18 પોલીસ અધિકારી-પોલીસ કર્મચારીઓને ચારથી સાડા સાત હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર જાહેર કરાયાં છે.

ઉલ્લેખનીય છે કે, 21મી મે 2019ની પરોઢે પશ્ચિમ કચ્છ એસઓજી અને જખૌ મરીન પોલીસ તેમજ કોસ્ટગાર્ડે ભારતીય સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી ‘અલ મદિના’ નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યાં હતા. દિલધડક સંયુક્ત ઓપરેશનમાં કરાચીથી નીકળેલી બોટનો ફિલ્મી ઢબે મધદરીયે પીછો કરી પોલીસે ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની કેરિયર્સની ધરપડ કરી હતી. ઓપરેશનમાં કૉસ્ટગાર્ડે ડોર્નિયર પ્લેનને પણ જોડ્યું હતું. બોટમાં સવાર શખ્સોએ ડ્રગ્સના પેકેટ્સ સમુદ્રમાં નાખવાનું શરૂ કરી દીધું હતું પરંતુ સતર્ક જવાનોએ તુરંત જ બોટ પર ધસી જઈ તેમાં સવાર ખલાસીઓને ઝડપી પાડ્યાં હતા. સમુદ્રમાં ફેંકી દેવાયેલાં સાત પેકેટ્સ પણ પરત કબ્જે કર્યાં હતા. ઓપરેશનમાં જોડાયેલાં જખૌ મરીન પોલીસ મથકના તત્કાલિન પીઆઈ વી.કે.ખાંટ અને એસઓજીના તત્કાલિન ઈન્ચાર્જ પીઆઈ એન.એમ.ચૌધરી બેઉને ડીઆરઆઈએ સાડા સાત-સાડા સાત હજાર રૂપિયા રોકડ પુરસ્કાર જાહેર કર્યો છે. એસઓજીના તત્કાલિન સબ ઈન્સ્પેક્ટર આર.એલ.જાડેજા, નારાયણ સરોવર પીએસઆઈ વાય.એ.જાડેજાને છ-છ હજાર, એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને 4 હજાર સહિત 18 અધિકારી-કર્મચારીને કુલ 86500 રૂપિયાના રોકડ પુરસ્કાર જાહેર કર્યાં હોવાનું ડીઆરઆઈ (અમદાવાદ ઝોનલ યુનિટ-AZU)ના પ્રિન્સીપલ એડિશનલ ડીજી આશિષ વર્માએ જણાવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ ફરજ બજાવનાર પોલીસ કર્મી-અધિકારીઓનું સન્માન કર્યું પણ અફસોસ કે તે સમયે પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સફળ ઓપરેશન કરનાર કર્મચારીઓનું સન્માન કરવાનું ચૂકી ગયાં હતા.

(10:48 pm IST)