Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જૂનાગઢ જિલ્લામાં કાલથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇના અધ્‍યક્ષસ્‍થાને બ્રીફીંગ મીટીંગમાં શાળા પ્રવેશોત્‍સવ અંગે વીડિયો માધ્‍યમથી માર્ગદર્શન મેળવતા જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ : જૂનાગઢ જિલ્લામાં પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી તેમજ રાજ્‍ય મંત્રી દેવાભાઇ માલમ સહિતના મહાનુભાવો બાળકોને ધોરણ-૧માં પ્રવેશ અપાવશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૨ : રાજયના બાળકોને પાયાનું પ્રાથમિક શિક્ષણ અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મળે અને પાત્રતા ધરાવતા પાંચ વર્ષની વયના તમામ બાળકોનું સો ટકા નામાંકન થાય તે માટે દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે તારીખ ૨૩, ૨૪, ૨૫  જુન ૨૦૨૨ ના રોજ શાળા પ્રવેશોત્‍સવ યોજાશે.
મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજયમાં શિક્ષણની ગુણવત્તા સાથે શાળાઓમાં માળખાગત સુવિધા વધે તે માટે યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનમાં અનેક નવા આયામો શરૂ કરવામાં આવ્‍યા છે.
મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને  તેમજ શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણી અને રાજય મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ મુખ્‍ય સચિવ પંકજકુમાર, શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સહિતના મહાનુભાવોની ગાંધીનગર સ્‍થિત શાળા પ્રવેશોત્‍સવ અંગેની બ્રીફીંગ મિટિંગમાં જૂનાગઢ જિલ્લાના કલેકટર રચિતરાજ તેમજ  જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના પદાધિકારીઓ ડીડીઓ સહિતના અધિકારીઓ  વિડિયો માધ્‍યમથી જોડાયા હતા
અધિકારીઓ પદાધિકારીઓએ  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનું શાળા પ્રવેશોત્‍સવ અભિયાનના અંગેનું માર્ગદર્શન મેળવ્‍યું હતું. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં ગુજરાતમાં શિક્ષણના કાર્યો અને નવા આયામો  પ્રકલ્‍પો સિદ્ધ  કરવા અનુરોધ કર્યો હતો.
સ્‍થાનિક કક્ષાએ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્‍યાયે જણાવ્‍યું હતું કે જૂનાગઢ જિલ્લામાં તા.૨૩, ૨૪, ૨૫ દરમ્‍યાન પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ  રૈયાણી,રાજયમંત્રીશ્રી દેવાભાઈ માલમ તેમજ કલેકટરશ્રી ઉપરાંત બહારથી અન્‍ય અધિકારીઓ શાળા  પ્રવેશોત્‍સવમાં જોડાશે.
જિલ્લામાં ૬૫ રૂટ નક્કી કરાયા છે. જૂનાગઢ જિલ્લામાં ૧૦ હજારથી વધુ બાળકોને સરકારી શાળાઓમા ધોરણ ૧માં પ્રવેશ અપાશે. જીલ્લામાં શાળામાં ઓરડા સહિત વિકાસના કામો માટે રૂપિયા ૪૮ કરોડ મંજૂર કરાયા છે. જેના ખાતમુહર્ત પણ કરવામાં આવશે.
આ મિટિંગમાં કલેકટરે સૌને શાળા પ્રવેશોત્‍સવમાં  પાણીવીરનો ખ્‍યાલ આપી પાણી બચાવવા ગામમાં શાળામાં પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. આ મિટિંગમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, અગ્રણી કંચનબેન, અતુલભાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:55 am IST)