Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સૌરાષ્‍ટ્રમાં કપાસએ મગફળીની ‘સાઇડ' કાપીઃ ૪,૭ર,૧૦૦ હેકટરમાં વાવેતર

આ વર્ષે વિક્રમસર્જક ભાવ મળવાના કારણે ખેડુતો કપાસ તરફ વધુ વળ્‍યાઃ જુદી-જુદી વાવણી ચાલુ : મગફળીનુંસૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં: કપાસનું સૌથી વધુ વાવેતર અમરેલી જિલ્લામાં: મબલખ ઉત્‍પાદનની આશા

રાજકોટ તા. રરઃ ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્‍ચે વાવણી ચાલુ છે. સૌરાષ્‍ટ્રમાં ચોમાસામાં મુખ્‍યત્‍વે કપાસ, મગફળી અને સોયાબીનનું વાવેતર કરવામાં આવે છે. અત્‍યારે વિવિધ પ્રકારની વાવણી થઇ રહી છે કેટલાક ખેડૂતો પૂરતા વરસાદની રાહ જોઇ રહ્યા છે. સામાન્‍ય રીતે જુલાઇના પહેલા અઠડવાડિયા સુધીમાં વાવણી પૂરી થઇ જતી હોય છે. આ વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળ્‍યા છે પણ કપાસના રૂા. રપ૦૦ થી ર૭૦૦ જેટલા (મણ) ભાવ મળતા ખેડૂતો કપાસના વાવેતર તરફ વધુ વળ્‍યા છે. પ્રારંભે કપાસ-મગફળીનું વાવેતર લગોલગ રહ્યા બાદ હવે કપાસનું વાવેતર વધી ગયું છે.
તા. ર૦ જૂનની સાંજ સુધીના સરકારી આંકડા મુજબ સૌરાષ્‍ટ્રમાં મગફળીનું ૩પ૧ર૦૦ હેકટરમાં અને કપાસનું ૪૭ર૧૦૦ હેકટરમાં વાવેતર થયું છે. સૌરાષ્‍ટ્રમાં મગફળીનું સૌથી વધુ ૭૮પ૦૦ હેકટરમાં વાવેતર રાજકોટ જિલ્લામાં થયું છે. જામનગરમાં ૩૩૯૦૦, પોરબંદરમાં ૧૦૬૦૦, જૂનાગઢમાં ૪૮૪૦૦, અમરેલીમાં ૬૪૪૦૦, મોરબીમાં ૪૦૬૦૦, ગિર સોમનાથમાં ૪૪ર૦૦, બોટાદમાં પ૦૦ હેકટરમાં વાવેતર થયું છે. કપાસનું સૌથી વધુ વાવેતર ૧પર૬૦૦ હેકટરમાં અમરેલી જિલ્લામાં થયું છે. રાજકોટ જિલ્લામાં ૭ર૯૦૦ હેકટરમાં વાવણી થઇ છે. જામનગરમાં રપપ૦૦ હેકટરમાં, ભાવનરગમાં ૧૪૯૦૦, બકોટાદમાં ર૭૩૦૦, દ્વારકામાં ૯૦૦, જૂનાગઢમાં ૭પ૦૦, મોરબી જિલ્લામાં ૭૧૭૦૦ હેકટરમાં કપાસનું વાવેતર થયું છે.
સૌરાષ્‍ટ્રમાં કપાસ, મગફળી અને અન્‍ય પાકોનું મળી કુલ ૮ર૬૦૦ હેકટરમાં વાવેતર થયું છે. તે રાજયના અન્‍ય ઝોન કરતા વધુ છે. રાજયમાં અત્‍યાર સુધીમાં કુલ ૧૦ર૪૪૦૦ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ખેડૂતોએ સારી આશાએ કપાસ, મગફળી, સોયાબીન વગેરેના બીજ રોપ્‍યા છે. ચોમાસાની જમાવટ હજુ બાકી છે.

 

(12:52 pm IST)