Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પોરબંદરના હરીશ ખુન કેસમાં પકડાયેલ ત્રણ આરોપીઓનો છૂટકારો ફરમાવતી કોર્ટ

પોરબંદર,તા. ૨૨ : પોરબંદરમાં ર૦૧૬ માં થયેલા ખુનકેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તા.રર/૦પ/ર૦૧૬ નાંરોજ છાંયા વિસ્‍તારમાં રહેતા રમેશ કેશુભાઈ બાપોદરા દ્વારા એવી ફરીયાદ લખાવેલી હતી. કે, પોતે અને તેનો માસીનો દિકરો હરીશ બંને સાંજે સાતેક વાગ્‍યા સુધી રીક્ષા ભાડુ કરી રાત્રે આઠેક વાગ્‍યે દારૂ પીવા માટે આવેલા તે વખતે પરબત ઉર્ફે ભક અરજન ઓડેદરા તથા જીજ્ઞેશ ઉર્ફે જીગો ભગવાનજી સલેટ તથા કેશુ બોખીરીયા તથા રાજુ લખમણ ભુતીયા ત્‍યાં આવેલા હતાં. અને તેના હાથમાં લાકડીનો બટકો હતો અને અમોને મારવા લાગેલા હતાં. અને ત્‍યારબાદ રીક્ષામાં બળજબરીથી બેસાડી ત્‍યાંથી ખોડીયાર મંદિર તરફ લઈ જઈ જુની ઉંડી ખાણોમાં લઈ ગયેલા હતાં. અને ત્‍યારબાદ અમારા હાથ બાંધી આ ચારેય મારવા લાગેલા હતાં. અને તેમાં હરીશ નું મૃત્‍યુ થઈ ગયેલુ હતું. અને ફરીયાદીને ઈજા થયેલી હતી. તેવા મતલબની ફરીયાદ લખાવતા પોલીસ દ્વારા ચારેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલા હતાં.
પોરબંદરની ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતાં ફરીયાદી રમેશ દ્વારા પોતાની ફરીયાદને સમર્થન આપેલ નહીં. અને ત્‍યારબાદ અન્‍ય સાહેદોએ પણ પોલીસ પેપર્સને સમર્થન આપેલ ન હોય એટલુ જ નહીં ડોકટરની જુબાનીમાં પણ ડોકટર દ્વારા પણ સામાન્‍ય પ્રકારની ઈજાઓ હોવાનુ જણાવેલુ હોય અને તે રીતે તે સંબંધે આરોપીના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા વિગતવાર દલીલ કરી જણાવેલ કે, ખરેખર ગુજરનાર તેમજ ફરીયાદી વધારે માત્રામાં આલ્‍કોહોલ લીધેલો હોય અને ફરીયાદમાં ફરીયાદીએ પોતે જ દારૂ પીવા બેઠેલા હોવાનુ જણાવેલુ હોય અને સમગ્ર પોલીસ તપાસ ને કોઈ સાહેદોએ સમર્થન આપેલ ન હોય અને તે રીતે કોર્ટ સમક્ષ ફરીયાદી પક્ષ નિશંકપણે પોતાની ફરીયાદ સાબીત કરી શકેલ ન હોય અને તેથી આરોપીઓને નિદોર્ષ છોડવાની દલીલ કરતા ડીસ્‍ટ્રીકટ કોર્ટ દ્વારા રેકર્ડ ઉપરનો પુરાવો તથા આરોપી એડવોકેટ ની દલીલ ઘ્‍યાને લઈ અને કેસ ચાલતા દરમ્‍યાન એક આરોપી ગુજરી ગયેલો હોય બાકીના ત્રણેય આરોપીઓને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલો હતો.
આ કામમાં આરોપીઓ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, નવધણ જાડેજા તથા જીતેન સોનીગ્રા રોકાયેલા હતાં.

 

(12:57 pm IST)