Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અમરેલીના દેવળીયામાં પૌરાણીક જાળવણી માટે રાજ્ય સરકાર નિર્ણય કરશે

પૌરાણિક ભવ્ય શિવ મંદિર હોવાની શકયતા :જમીન લેવલ થી ૪૨ ફૂટ ઉંડાઇએ બાંધકામ જોવા મળ્યુ

(અરવિંદ નિર્મળ-વિમલ ઠાકર દ્વારા) અમરેલી-દામનગર,તા.૨૨:   અમરેલી નજીક આવેલા દેવળીયા ગામમાં એક વર્ષો જૂની વાવ આવેલી છે. આ વર્ષો જૂની વાવ ખુબ જ બિસ્માર હાલતમાં હોય જેની ગામના સરપંચના પતિ નાથાલાલ સુખડીયા દ્વારા માહિતી આપવામાં આવી હતી. દેવળીયાના સરપંચ ભાવનાબેન નાથાલાલ સુખડીયા દ્વારા આ વાવની મરમ્મત કરવાની સુચના આપવામાં આવી હતી.

 આ રિપેરિંગ કામગીરી દરમિયાન થયેલા ખોદકામમાં આ વાવમાં કોઈ પૌરાણિક ભવ્ય મંદિર હોય તેવા અવશેષો મળી આવતા પંચાયત દ્વારા વધુ કામગીરી કરવામાં આવી રહી છે. આ કોઈ પૌરાણિક મંદિર હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે ત્યારે આ સ્થાનનું પૌરાણિક મહત્વ શું છે તેની તપાસ પુરાતત્ત્વ વિભાગ દ્વારા થાય અને તેનો વિકાસ થાય તેવી લોકોએ લાગણી વ્યકત હતી.

 મળતી માહિતી મુજબ આ ગામમાં વાવની અંદર આવેલ શૌકાઓ જુના શિવમંદિરની જમીન ૨૮ ફુટ ઉંડાઈ આવેલી છે જ્યાં વર્ષો જૂની શિવલીંગ છે જે વર્ષ  ૨૦૦૬મા ગામનાં બ્રાહ્મણ -વિણભાઈ મહેતા વિગેરે ગામનાં નાગરિકો દ્વારા બહાર કાઢવામાં આવી હતી. આ વાવની અંદર આવેલ શિવલીંગની આસપાસ ખુબ જ ગંદકી હોય જેને લીધે શિવલીંગને બહાર કાઢવામાં આવી હતી.

 પ્રવિણભાઈ મહેતા અને ગામનાં ઉપસરપંચ ધમિષ્ઠાબેન ભાવેશભાઈ સોલડીયા છેલ્લા ૧૬ વર્ષથી પુજા વિધિ કરતાં હતા પરંતુ ધાર્મિક લોકોના કહેવા મુજબ શિવલીંગ ફેરવાય નહી તેવી બાબત ગામ પંચાયત સુધી પહોંચી હતી જેથી ગામ પંચાયત દ્વારા ગામસભામા ચર્ચા કરી આ માટે લોકોના સહયોગ દ્વારા પગથીયાં ખોલવા પ્રયાસ કરવાં સામુહિક નિર્ણય કરવામાં આવ્યો હતો.

 લોક સહયોગથી જમીન લેવલથી ૨૮ ફુટ ઉંડાઈએ આવેલ પથ્થરથી બંધ કરાયેલ કમાન ગેઈટ ખોલતાં ૧૪ ફુટ ઉંચુ અને ૧૧ ફુટ પહોંળાઈ અને કોતરણી ધરાવતી સાઈડ વોલ કમાનો આબેહુબ નકશી કામ અને ત્રણ માળ ધરાવતી વાવ અને સૈકાઓ જુના શિવમદિર પણ હોવાની શક્યતા છે. જમીન લેવલથી ૪૨ ફુટ ઉંડાઈએ બાંધકામ છે.

 આ બાબતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના ધ્યાને મુકાતા કલેકટરના આદેશ મુજબ પ્રાંત કલેકટર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત કરી વિગતો કલેકટર દ્વારા રાજય સરકારના સબંધીત વિભાગની મદદથી આ પુરાતન વાવની જાળવણી માટે યોગ્ય નિર્ણય કરાશે.

(1:01 pm IST)