Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જૂનાગઢમાં ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આઠમાં વિશ્વ યોગ દિનની ભવ્‍ય ઉજવણી

યુનિવર્સિટી નિયંત્રણ હેઠળ આવતા ચારેય જિલ્લાઓ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અનોખી રીતે ઉજવણી : આઠમાં વિશ્વ યોગ દિવસની ‘માનવતા માટે યોગ' ની થીમ આજના યુવાધન થકી ખરા અર્થમાં સાર્થક થતી જોઇ શકાય છે : કુલપતિ પ્રો. (ડો) ચેતન ત્રિવેદી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૨ : પ્રકૃતિ અને પરમાત્‍માના સામિપ્‍યે, ગિરીવર ગિરનારની ગોદમાં પવિત્ર દામોદર કુંડ ખાતે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સામુહિક આંતરરાષ્ટ્રીય યોગ મહોત્‍સવ સંપન્ન થયો હતો. આ યુનિવર્સિટીનો વ્‍યાપ ચાર સાંસ્‍કૃતિક વિરાસત સમા જીલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સુધી વિસ્‍તરેલો છે. આ ચારેય સ્‍થાન પર  વિશ્વ યોગ દિવસની ઉજવણી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. જુનાગઢ ખાતે નરસિંહ મહેતાજીની માનીતી જગ્‍યા શ્રી રાધા દામોદરરાય મંદિર અને દામોદર કુંડને આ વખતે યોગ દિવસ નિમિતે પસંદ કરવામાં આવ્‍યું હતું. દામોદરકુંડની દિવ્‍ય જગ્‍યાએ હરી અને હરના સામિપ્‍યમાં આ પ્રસંગે અનેક યુવાનો અને યુવતીઓએ સામુહીક યોગ કરી વાતાવરણને યોગમય બનાવી દિધું હતું.
ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાધા દામોદરરાય મંદિર ટ્રસ્‍ટનાં સંયુક્‍ત ઉપક્રમે આયોજિત આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે આઠમાં વિશ્વ યોગ દિવસની ‘માનવતા માટે યોગ' ની થીમ આજના યુવાધન થકી ખરા અર્થમાં સાર્થક થતી જોઈ શકાય છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા' સુત્રને સાર્થક કરતા અને માનવીને તંદુરસ્‍તી બક્ષતા યોગને કારણે સમગ્ર વિશ્વમાં ભારત દેશ ‘વિશ્વ ગુરૂ' તરીકે સ્‍થાપિત થયો છે તેવું પણ કુલપતિશ્રીએ જણાવ્‍યું હતું.
ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યુનિવર્સિટી હેઠળ આવતા ચારેય જિલ્લાઓમાં યુનિવર્સિટીના સરકાર નિયુક્‍ત સિન્‍ડીકેટ સભ્‍યોના નેજા હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોઓર્ડીનેટર્સ તરીકે જૂનાગઢ ખાતે શ્રી ચંદ્રેશભાઈ હેરમા, પોરબંદર ખાતે ડો.જયભાઈ ત્રિવેદી, ગીર સોમનાથ ખાતે ડાઙ્ઘ.જીવાભાઈ વાળા તથા દેવભૂમિ દ્વારકા ખાતે ભાવનાબેન અજમેરા હાજર રહ્યા હતાં.
જૂનાગઢ ખાતે યોગ નિદર્શન હિનાબેન દ્વારા થયેલ અને યુનિવર્સિટીના રજીસ્‍ટ્રાર ડો.મયંક સોની, બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્‍સિપાલ ડો.આર.પી.ભટૃ, જોષીપરા મહિલા કોલેજના પ્રિન્‍સિપાલ ડો.જમકુબેન સોજીત્રા, રાધા દામોદરરાય ટ્રસ્‍ટનાં વિરાટભાઈ ઠાકર, યુનિવર્સિટી શૈક્ષણિક અને વહીવટી સ્‍ટાફ તથા બહોળી સંખ્‍યામાં જોષીપરા મહીલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ હાજરી આપી યોગ દિવસમાં જોડાયા હતાં. નિરવભાઈ પુરોહિત અને એડવોકેટ રાજેશભાઈ ઠાકર દ્વારા પણ સ્‍થળ ઉપર તમામ વ્‍યવસ્‍થા સંભાળવામાં આવી હતી.

 

(1:21 pm IST)