Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભાવનગરના ઘોઘા દરિયા કિનારે અંગ્રેજોએ બનાવેલી પ્રોટેકશન વોલ તુટી જતાં હાલાકી

ઘોઘા દરિયા કિનારે રહેતા 2000 પરિવારોને ભારે મુશ્કેલી :ગ્રામજનોએ પંચાયતથી લઈને કલેકટર, સાસંદ, ધારાસભ્ય તમામને રજૂઆત કરી છતાં કોઈ પગલાં લેવાયા નહીં

ભાવનગરમાં ઘોઘા દરિયા કિનારે અંગ્રેજોના સમયની પ્રોટેક્શન વોલ તુટતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રોટેક્શન વોલ જર્જરીત હોવાના કારણે દરિયાનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. જેના કારણે 2000 પરિવારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર અને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી.

ભાવનગરના દરિયાકાંઠે રહેતા લોકો આજકાલ અંગ્રેજોને યાદ કરી રહ્યા છે. કારણ કે, 1930 માં અંગ્રેજોએ બનાવેલી પ્રોટેકશન વોલ ધીમે-ધીમે તુટી જતા હવે પાણી ઘરોમાં ધુસી રહ્યા છે. ગ્રામજનોને આશા હતી કે, આઝાદી પછી આટલા વર્ષો બાદ તેમને પ્રોટેકશન વોલ તો બનાવી આપવામાં આવશે. જેનાથી 2000 પરિવારને રક્ષણ મળશે. પરંતુ તેમની આશા ઠગારી નિવડી છે. વરસાદ હોય કે ન હોય, દરિયો તોફાની બને કે ન બને, વાવાઝોડું આવે કે ન આવે તો પણ બારેમાસ આ ગામ દરિયાઈ પાણીથી જાણે હલેસા મારી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘા દરિયા કિનારે આવેલા ગામ પાસે પ્રોટેક્શન દિવાલ જ નથી. અંગ્રેજોના સાશન કાળમાં વર્ષ 1930માં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી. આ પ્રોટેક્શન દિવાલના કારણે પાણી માનવ વસવાટ સુધી નહોતું આવતું. પણ સમય વિત્યો તેમ દિવાલ તબક્કાવાર પડતી રહી. અને કેટલાક વર્ષો પહેલા આવેલા વાવાઝોડામાં આ દિવાલ સંપૂર્ણ ધરાશાયી થઈ ગઈ. ત્યારથી લઈને આજદિન સુધી લોકો હેરાન થતા આવ્યા છે. 22 વર્ષથી આ દિવાલ તૂટેલી હાલતમાં છે. જેમાં વાવાઝોડુ અને ભરતીના સમયે ગામમાં પાણીનો ભરાવો થાય છે. જેને કારણે હાલ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે મીડિયા સાથે વાત કરતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પ્રોટેક્શન દિવાલ તૂટવાની શરૂઆત થઈ ત્યારથી ઘોઘા ગામના જે કોઈપણ સરપંચ, આગેવાનો, તેમજ ગ્રામજનો દ્વારા સતત સરકારને રજૂઆત કરી હતી. ગામ લોકોએ પંચાયતથી લઈને કલેકટર, સાસંદ, ધારાસભ્ય તમામને રજૂઆત કરી છે. અધિકારીઓ આ બાબતે યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી હજી સુધી કરેલી નથી. જ્યારે મોટી ભરતીઓ આવે ત્યારે પાણી ગામની અંદર ઘૂસી જાય છે. જેથી ગામના લોકોને ઘણીબધી તકલીફોનો સામનો કરવો પડે છે.

અહિંયા અલગ-અલગ વિભાગો વચ્ચે ખો રમાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામજનોની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો તો ભલામણો કરીને થાક્યા. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે, નામશેષ થઈ ગેયલી દિવાલ બનશે ક્યારે? અંદરો અંદરના ડખાથી તંત્ર ક્યારે થશે મુક્ત? જાનહાનિ થાય તો કોણ જવાબદાર? દિવાલ બનાવવાનું મુહૂર્ત આવશે કે નહિ? જો આ મામલે વહેલી તકે કોઈ પગલા નહીં લેવાય તો લોકોને અન્ય જગ્યા પર સ્થળાંતરિત થવા મજબૂર થવું પડશે

(7:13 pm IST)