Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

હે દ્વારકાધીશ સૌને કોરોનાથી મુકત કરોઃ વિજયભાઇ

અંજલીબેન રૂપાણી, નિતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી સહિત પરિવારજનો દ્વારકાના દર્શનેઃ દ્વારકાધીશ ભગવાનનું પૂજન-અર્ચન-ધ્વજારોહણ

દ્વારકા : આજે સવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યુ હતું. આ તકે શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રી ધનસુખભાઇ ભંડેરી તથા સ્થાનિક ભાજપ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. રર :.. ગુજરાત કોરોના મુકત થાય તે માટે દ્વારકાધીશ ભગવાનને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાર્થના કરી હતી. આ તકે તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી રાજયમંત્રી જવાહરભાઇ ચાવડા તથા પરિવારજનો તેમજ રાજકોટ ભાજપ અગ્રણી અને પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, મ્યુનિશીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તથા સ્થાનિક ભાજપ નેતાઓ જોડાયા હતા અને દ્વારકાધીશ ભગવાનનું પૂજન અર્ચન  અને ધ્વજારોહણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સુપ્રસિધ્ધ તીર્થધામ દ્વારીકામાં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભકિતભાવ પૂર્વક પૂજન - અર્ચન શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે આજે સવારે કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત કોરોના મુકત થાય અને સૌના આરોગ્ય સુખાકારી સચવાઇ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોતમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારીકાધીશના ચરણોમાં કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીની બે દિવસની દ્વારકા યાત્રામાં દ્વારકા ઉપરાંત શિવરાજપુર બીચી તેમજ બેટ દ્વારકામાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ તેમજ સમીક્ષા કરવામાં આવી હતી. રાજય પ્રવાસન વિભાગના નેજા હેઠળ શિવરાજપૂર બીચને આશરે બસ્સો કરોડના ખર્ચે વિકાસકાર્યોની યોજનાનો પ્રથમ તબકકો શરૂ થઇ ગયો હોય જેમાં બાવીસ કરોડના ખર્ચે રોડ રસ્તા તેમજ લાઇટીંગ સહિતની પ્રવાસલક્ષી સુવિધાઓ વિકસાવવાનું કાર્ય શરૂ કરાયું છે.

જયારે શિવરાજપૂર બીચ પર ગાર્ડન, હરીયાળી, સુશોભન તેમજ પાર્કીંગ જેવી સુવિધાઓ વિકસાવવા બીજા તબકકાના કામોના ૮૪ કરોડના ટેન્ડર્સ બહાર પડી ચૂકયા છે. તેમજ ગત સપ્તાહે શિવરાજપૂર બીચ ખાતે લોકભાગીદારીથી રિસોર્ટ, હોટલ અને ટેન્ટ જેવી રહેવા માટેની સુવિધાઓના ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન સિગ્રેચર બ્રીજના કામકાજનું નિરીક્ષણ કરશે તેમજ બેટ દ્વારકામાં જાહેર કરાયેલ ૧પ જેટલા વિકાસ પ્રોજેકટસ માટેના સ્થળોની પણ મુલાકાત લીધી હતી.

ગઇકાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપૂર બીચ ખાતેની મુલાકાત લેવા આવી પહોંચ્યા હતાં. શિવરાજપુર બીચ ખાતે હાથ ધરવામાં આવેલ વિકાસ કામોની સ્થિતિ તથા કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજે  દ્વારકા હેલીપેડ પર આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવરાજપુર બીચની સમીક્ષા તથા ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધાર્યા છે.

મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવા માટે હેલીપેડ ખાતે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરા, માજી ધારાસભ્ય શ્રી પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજીબેન મોરી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખીમભાઇ જોગલ, નગરપાલિકા પ્રમુખશ્રી જયોતિબેન સામાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર શ્રી રમેશભાઇ હેરમા, દ્વારકા શહેર ભાજપ પ્રમુખશ્રી વિજય બુજડ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી વરજાંગભા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી શૈલેષભાઇ કણઝારીયા, મયુરભાઇ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, જિલ્લા કલેકટરશ્રી એમ. એ. પંડયા, રેન્જ આઇ. જી. શ્રી સંદિપસિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. જે. જાડેજા, પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટરશ્રી કે. એમ. જાની, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી એન. ડી. ભેટારીયા ઉપસ્થિત રહ્યા હતાં.

(11:09 am IST)