Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ઇદના દિવસે કચ્છમાં બે ઊંટની જાહેરમાં કુરબાની કરી કતલ કરાતા ચકચાર

અબડાસા તા.ના થુમડી ગામનો બનાવ : અરેરાટીભર્યા બનાવને પગલે જીવદયા પ્રેમીઓમાં આક્રોશ : પોલીસે ૮ આરોપીઓને માંસ અને હથિયારો સાથે ઝડપ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : બકરી ઈદના દિવસે કચ્છમાં જાહેરમાં બે ઊંટની કતલ કરવાની ઘટનાએ ચકચાર સાથે અરેરાટી સર્જી છે. અબડાસા તાલુકાના થુમડી ગામે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બે ઊંટની કુરબાની આપી જાહેરમાં કતલ કરવાનો બનાવ બન્યો હતો.

આ અરેરાટીભર્યા બનાવની જાણ થતાં જ જીવદયાપ્રેમીઓમાં આક્રોશ છવાયો હતો અને વાયોર પોલીસ સ્ટેશને લોકોનું ટોળું ધસી ગયું હતું. દરમ્યાન હરકતમાં આવેલ પોલીસ તરત જ થુમડી ગામે ધસી ગઈ હતી. ત્યાં તળાવ પાસે જ બે ઊંટની કતલ થયાના અવશેષો મળી આવ્યા હતા. વાયોર પીએસઆઈ મહાવીરસિંહ જાડેજા અને પોલીસ સ્ટાફે ઘટના સ્થળે થી ૮ શખ્સોને હથિયારો સાથે રંગે હાથ ઝડપી લીધા હતા.

પોલીસે ઝડપેલા આ આરોપીઓ થુમડી ઉપરાંત તેની બાજુમાં આવેલ વાગોઠ, મોટી ચરોપડી અને નાની બેર ગામના છે. જાફર આમદ સુમરા, હાજી હુસેન આદમ સુમરા, હાજી હસન ઇસ્માઇલ સમા, આમદ કાસમ હાલેપોત્રા, હનીફ જાકબ સુમરા, નાથા આમદ અબડા, અલી હુસેન ખલીફા, કાદર અલી ગજણને લોખંડની ચાર કુહાડી, ૬ કોયતા, ૧૨ મોટી છરીઓ, રસ્સો, કંતાન અને લાકડાના ટુકડાઓ સાથે ઝડપી પાડયા હતા.

ઘટના સ્થળેથી મળી આવેલા ઊંટના અવશેષો અને માંસ ને પોલીસે જમીનમાં દાટી પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી. જાહેરમાં જનાવરોની કતલ કરવાના આ કૃત્યને પગલે જીવદયાપ્રેમીઓમાં અરેરાટી છવાઈ હતી અને વાયોર પોલીસ સ્ટેશને લોકોનું ટોળું ધસી ગયું હતું.

(11:10 am IST)