Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ધ્રોલમાં વેરા ઘટાડવા નગરપાલિકાનીખાત્રી બાદ આંદોલન મોકુફ

ધ્રોલ, તા. ૨૨ :. ભાજપ શાસીત ધ્રોલ નગરપાલિકા દ્વારા નાગરીકો પાસેથી ઉઘરાવવામાં આવતો મિલ્કત વેરો, દિવાબત્તી વેરો, સફાઈ વેરો સહિતના વેરાઓમાં અસહ્ય વધારો કરવામાં આવતા આ વેરા વધારા સામે ધ્રોલ ચેમ્બર, હિન્દુ સેના તથા અન્ય સંગઠનો દ્વારા નગરપાલિકા સામે આંદોલનાત્મક કામગીરી હાથ ધરવામાં આવેલ. તેમજ આ પ્રશ્ને લેખીત રજૂઆતો કરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા કરવેરા વધારવાના નિર્ણય મુદ્દે પાલિકા સત્તાધીશો તેમજ વેપારી અગ્રણીઓ, સામાજીક આગેવાનો સાથે યોજાયેલી બેઠકમા વેરો ઘટાડવા અંગે ખાત્રી આપતા હાલ આંદોલન મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ કરવેરા ઘટાડવા માટેની રજૂઆતો બાદ આ આંદોલનાત્મક કાર્યવાહીના અનુસંધાને તા. ૨૦-૭-૨૧ના રોજ ધ્રોલમાં લાયબ્રેરી ખાતે પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તથા વેપારી મંડળના હોદેદારો, સ્થાનીક અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ દ્વારા વેરા ઘટાડવા અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાત્રી આ બેઠકમાં આપવામાં આવેલ. આ બેઠકમાં શહેરના નાગરીકો વતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નવીનભાઈ શાહ, હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતા, સામાજિક અગ્રણી રાજેન્દ્રસિંહ સોલંકી, પાલિકાના પ્રમુખ જયશ્રીબેન પરમારના પતિ મનસુખભાઈ પરમાર અને ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ ઉપસ્થિત રહેલ.

(11:52 am IST)