Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

માત્ર બે દિ'માં ગાંધીધામના એસપીનો ચાર્જ બદલી દેવાતા ચર્ચા

શું સૌરભસિંઘની કડક કાર્યવાહીને પગલે ઓઇલ માફિયાઓને ઇશારે બે દિ'માં જ તેમને ખસેડાયા ? ૫ દિ' માટે ભુજને બદલે ગાંધીનગરથી એસપી મુકાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એ બે પોલીસ જિલ્લાઓ માં રજામાં જતાં એસપી નો ચાર્જ હમેશાં આપસમાં બદલાતો રહ્યો છે. પરંતુ પોલીસની કમાણીની આવકમાં હમેશાં પસંદગીનો જિલ્લો રહેલા કંડલા, ગાંધીધામ એવા પશ્યિમ કચ્છના એસપી તરીકે થોડા દિવસો માટે ચાર્જ સાંભળનાર પ્રમાણિક પોલીસ અધિકારીને એકાએક ખસેડી દેવાતાં સરકાર સામે સવાલો થઈ રહ્યા છે.

પૂર્વ કચ્છના એસપી મયુર પાટીલ રજામાં જતાં તેમનો કાર્યભાર પશ્યિમ કચ્છના એસપી સૌરભસિંઘને સોંપાયો હતો. પણ, બે દિ'માં જ તેમને ખસેડી એકાએક સીઆઈડી ક્રાઈમ એસપી સૌરભ તોલંબિયાને ચાર્જ અપાયો છે. મૂળ વાત એ છે કે, ૭ દિવસની રજામાં ગયેલા ગાંધીધામના એસપી મયુર પાટીલની જગ્યાએ ચાર્જમાં મુકાયેલા ભુજના એસપી સૌરભસિંઘને એકાએક ખસેડી માત્ર ૫ દિ' માટે છેક દૂર ગાંધીનગરથી એસપી મૂકવાની શું જરૂર પડી? પશ્ચિમ અને પૂર્વ કચ્છ બન્ને ના એસપી નજીક છે, તેને બદલે દૂર થી મુકાયેલા એસપી ને પગલે સરકાર ચર્ચામાં આવી ગઈ છે. ચર્ચાતી હકીકતો મુજબ પશ્યિમ કચ્છના એસપી સૌરભસિંઘ પ્રમાણિક અધિકારી છે અને બેઝ ઓઇલ ચોરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે.

હાલમાં જ તેમણે અલ્પેશ ચંદે નામના મોટા માથા સામે ભુજમાં કાર્યવાહી કરી છે. બેઝ ઓઇલના કાળા કારોબારમાં મોટો કારોબાર ધરાવનાર અલ્પેશ ચંદે કચ્છના રાજકીય મોટા માથાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાની અને અમુક પોલીસ અધિકારીઓ સાથે મીઠા સબંધો ધરાવતો હોવાની ચર્ચા છે. પૂર્વ કચ્છનું કંડલા અને ગાંધીધામ બેઝ ઓઇલના ગેરકાયદે કાળા કારોબારનું મોટું સેન્ટર છે. ત્યારે ત્યાં પ્રમાણિક અધિકારી સૌરભસિંઘ રાજકીય બેક ગ્રાઉન્ડ ધરાવતા ઓઇલ માફીયાઓ માટે મુશ્કેલી સર્જી શકે તેમ હોઈ તેમને એકાએક ખસેડી લેવાયા છે. અત્યારે તો માટે ૫ દિવસ માટે પણ સરકારે બદલેલ પોલીસ અધિકારીનો મુદ્દો કચ્છના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સૌરભસિંઘ પશ્ચિમ કચ્છમાં આવ્યા પછી ગુનાઓમાં ઘટાડો થયો છે, નવા ગુનાઓ ઝડપભેર ઉકેલાઇ રહ્યા છે. સરહદી જિલ્લા માટે આવા કડક અને પ્રમાણિક પોલીસ અધિકારી રાષ્ટ્રહિત માટે પણ જરૂરી છે.

(11:56 am IST)