Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

નરસિંહ મહેતા યુનિ.ના પદવીદાન સમારંભમાં

એમ.એ. સમાજશાસ્ત્રમાં ત્રણ વિદ્યાર્થીનીઓએ ડો.રમાબેન દિનુભાઇ દેવાણી ગોલ્ડ મેડલ મેળવ્યો

યુનિવર્સિટી ફર્સ્ટ આવેલ જલ્પા દૂધાત, પલ્લવી રાવલીયા તથા પ્રભા કાથડની ગોલ્ડ મેડલ માટે પસંદગી : મેડલના દાતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન સમગ્ર જૂનાગઢ જીલ્લામાં સૌપ્રથમ મહિલા પી.એચ.ડી. ધારક બન્યા હતાઃ કેશોદ ખાતે સામાજીક - સેવાકીય ક્ષેત્રે હાલમાં પણ સતત કાર્યરત

રાજકોટ તા. રર :.. ગુજરાતની વિધાનસભાના કાયદા મુજબ ઇ. સ. ર૦૧પ માં સ્થાપવામાં આવેલ અને ઇ. સ. ર૦૧૬-૧૭ થી પૂર્ણરૂપે કાર્યરત થયેલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢનો સૌપ્રથમ પદવીદાન સમારંભ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગઇકાલે યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ પ૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં વિનયન વિદ્યાશાખામાં એમ.એ. સમાજશાસ્ત્રમાં ત્રણ વિદ્યાર્થીનીઓએ ડો. રમાબેન દિનુભાઇ દેવાણી-કેશોદ નામનો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

યુનિવર્સિટી ફર્સ્ટ આવેલ ત્રણે વિદ્યાર્થીનીઓ જલ્પાબેન કાન્તિલાલ દૂધાત (વર્ષ ર૦૧૭-૧૮), પલ્લવીબેન વિરાભાઇ રાવલીયા (વર્ષ ર૦૧૮-૧૯) તથા પ્રભાબેન મુંજાભાઇ કાથડ (વર્ષ ર૦૧૯-ર૦) ની ગોલ્ડ મેડલ માટે પસંદગી કરવામાં આવી હતી. આગામી વર્ષોમાં પણ સોશ્યોલોજી (અનુસ્નાતક) માં યુનિવર્સિટી ફર્સ્ટ આવનાર વિદ્યાર્થી ડો. રમાબેન દિનુભાઇ દેવાણી ગોલ્ડ મેડલ મેળવવાને પાત્ર બનશે.

મેડલના દાતા અને ઇ.સ. ર૦૦૦માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ડો. રમાબેન આજથી ત્રીસ વર્ષ પહેલા સમાજશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી. થયા હતાં. તે સમયે સમગ્ર જૂનાગઢ જીલ્લામાં લોહાણા જ્ઞાતિમાં કે અન્ય જ્ઞાતિમાં એક મહિલા તરીકે ડોકટરેટની ડીગ્રી મેળવનાર ડો. રમાબેન દેવાણી કદાચ સૌપ્રથમ હતાં. હાલના પોરબંદર તથા ગીર સોમનાથ જીલ્લાનો પણ તે સમયે જુનાગઢ જીલ્લામાં સમાવેશ થતો હતો. ઉપરાંત ઇ. સ. ર૦૦પ માં હેલ્થ એન્ડ એજયુકેશન ફાઉન્ડેશન ન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ માટે પણ ડો. રમાબેનની પસંદગી કરવામાં આવી હતી. હાલમાં પણ જૂનાગઢ જીલ્લાના કેશોદ ખાતે મહિલા મંડળ, નારી નિકેતન, લેડીઝ કલબ જેવી સામાજીક - સેવાકીય સંસ્થાઓમાં સ્થાપક પ્રમુખ - હોદેદાર કે પછી સભ્ય તરીકે ડો. રમાબેન દેવાણી સતત કાર્યરત છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના ગઇકાલના ઐતિહાસિક પદવીદાન સમારંભમાં પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી)ને પણ માનદ ડોકટરેટની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. કોન્વોકેશનમાં ગુજરાતના કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ પ્રવાસન તથા મત્સ્યઉદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, રાજય કક્ષાના શિક્ષણ મંત્રી સુ. શ્રી વિભાવરીબેન દવે, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી, સરકાર નિયુકત સિન્ડીકેટ સભ્યો શ્રી ચંદ્રેશભાઇ હેરમા, ડો. જયભાઇ ત્રિવેદી, સુ. શ્રી ભાવનાબેન અજમેરા તથા ડો. જીવાભાઇ વાળા, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. મયંકરભાઇ સોની, ઇન્ચાર્જ પરીક્ષા નિયામક પ્રો. (ડો.) અતુલભાઇ બાપોદરા, પ્રો. સુહાસભાઇ વ્યાસ, ડો. જયસિંહ ઝાલા, ડો. ફીરોઝભાઇ શેખ, ડો. ભાવસિંહ ડોડીયા, ડો. વિશાલભાઇ જોષી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીના નેજા હેઠળ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા વિદ્યાર્થીલક્ષી, શિક્ષણલક્ષી, સેવાકીય, સાંસ્કૃતિક, સામાજીક એમ વિવિધ પ્રવૃતિઓ સતત ચાલી રહી છે.

(12:06 pm IST)