Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

'ખંભાળીયામાં ૭૦ હજાર વૃક્ષોના વાવેતર પછી ૭૦૦ ઝાડ પણ ઊઝરતા નથી' -ભાજપના જવાબદાર કાર્યકરનું બેજવાબદારી ભર્યુ કથનઃ છતાં પણ કરાતું વૃક્ષારોપણ નાટક...??

જામખંભાળીયા તા. રર :.. ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પ્રમુખ તરીકે વરણીને એક વર્ષની ઉજવણીના ભાગરૂપે ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ અને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા સ્વર્ગપુરી સ્મશાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીંના નગર ગેઇટ ખાતે ૩૦૦ જેટલા વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર મહામંત્રી વિગેરે જોડાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળીયા શહેરમાં સમયાંતરે ભાજપ તથા સંસ્થાઓ દ્વારા અવારનવાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વૃક્ષોની માવજત તથા ઉછેર અંગે ટિપ્પણી કરવામાં આવતા ભાજપના એક કાર્યકર દ્વારા જાણે આ કાર્યક્રમો કરવા ખાતર થતા હોય તે રીતે જાહેરમાં જણાવ્યંુ હતું કે શહેરમાં ૭૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ૭૦૦ પણ ઉછેર થયો નથી.

કદાચ આ વાતને સાચી ગણીએ તો પણ સકારાત્મક અભિગમ અપનાવવાના બદલે ભાજપના કાર્યકરના આવા બેજવાબદારી ભર્યા કથન પરથી એવું ફલિત થાય છે કે પક્ષ દ્વારા થતા આ કાર્યક્રમોની ફળશ્રુતિ કંઇ જ નથી. જો વૃક્ષોની માવજત તથા ઉછેર ન કરી શકાતા હોય તો આવા કાર્યક્રમો માત્ર નાટક જ સાબિત થાય.

પ્રદેશ પ્રમુખના માનમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમ સંદર્ભે આવા કથનને ટીકાસ્પદ ગણી શકાય. વૃક્ષરોપણ કાર્યક્રમ માત્ર ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે કરવામાં આવતા હોય તો આ બાબત શરમજન કહેવાય.

(1:09 pm IST)