Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

માતાના મઢ આશાપુરા મંદિરે પતરી વિધિનો અધિકાર કચ્છના મહારાણીનેઃ રાજપરિવારના વિવાદ વચ્ચે મહિલાને પૂજાવિધિનો અધિકાર આપતો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

માતાના મઢ જાગીરના મહંત અને રાજ પરિવારના અન્ય સદસ્યો દ્વારા કરાયેલ કેસ, એડવોકેટ ભરત ધોળકિયા અને અવનિશ ઠકકર ઉપરાંત અન્ય આગેવાનોની ઉપસ્થતિમાં પત્રકાર પરિષદમાં અપાઈ માહિતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨:  કચ્છના પ્રખ્યાત અને ઐતિહસિક એવા માતાના મઢ મધ્યે આવેલા આશાપુરા માતાજીના મંદિરે દર નવરાત્રિ દરમ્યાન થતી પતરીની પૂજાવિધિ કરવા અંગે ૨૦૦૯ થી ચાલતા કાનૂની વિવાદ સંદર્ભે ભુજ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. તે અનુસાર આ પૂજાવિધિ હવેથી મહારાણી પ્રીતિદેવી કરશે.

૩૫૦ વર્ષ જૂની કચ્છની રાજવી પરંપરા દરમ્યાન પ્રથમ જ વાર મહિલાને આ અધિકાર આપતો ચુકાદો ભુજના દસમા અધિક સેશન્સ જજ આર.વી. મંદાણીએ જાહેર કર્યો છે. આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહારાણી પ્રીતિદેવી, આરતીબા મયુરધ્વજસિંહ જાડેજા, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, કચ્છ ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરુભા રાઠોડ, ઇતિહાસકાર સાવજસિંહ જાડેજા, એડવોકેટ ભરત ધોળકિયા, અવનિશ ઠકકરે આ કેસ સંદર્ભે માહિતી આપી હતી.

ચામરવિધિ અને પતરીવિધિનો વિવાદ ૨૦૦૯માં ઊભો થયો હતો. સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ૨૬-૦૯-૨૦૦૯ના રોજ માતાના મઢ ખાતે પતરી વિધિની પૂજા કરવા ગયા ત્યારે ચાચરા કુંડમાં પગથિયા ચઢતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ બાકીની પૂજા વિધિ સંપન્ન કરી શકે તેમ નહોતા. જેથી તેમણે સાથે રહેલાં જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ પૂરી કરવા જણાવેલું. પરંતુ, માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાએ આ વિધિ કરતાં જુવાનસિંહને અટકાવ્યાં હતા. જેથી સૈકાઓથી ચાલી આવતી રાજ પરિવારની પૂજાવિધિની પરંપરા અટકી ગઈ હતી.

આ ઘટના બાદ મહારાવ પ્રાગમલજીએ નખત્રાણા કોર્ટમાં યોગેન્દ્રસિંહ રાજબાવા સામે દિવાની દાવો નોંધાવેલો. જેમાં પાછળથી હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, દ્યનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા પ્રતિવાદી તરીકે જોડાયાં હતા. પાછળથી આ દાવો દયાપર કોર્ટમાં તબદીલ થયેલો. દયાપર કોર્ટે ૦૬-૦૩-૨૦૧૯ના રોજ મહારાવ પ્રાગમલજીને પૂજાવિધિનો અધિકાર હોવાનું અને તેમની અનુપસ્થિતિ કે અસમર્થતા સમયે પતરીવિધિ રાજકુળના વંશાનુક્રમે આવતી નિકટની વ્યકિત રાજ પરિવારના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેવો ચુકાદો આપ્યો હતો. મહારાવ પ્રાગમલજીએ શ્નપોતાની અનુપસ્થિતિ કે અસમર્થતા સમયે પતરી વિધિ રાજકુળના વંશાનુક્રમે આવતી નિકટની વ્યકિત રાજ પરિવારના મુખ્ય વ્યકિત સાથે રહીનેકરી શકશે' તે બાબત સામે વાંધો ઉઠાવી ભુજ સેશન્સ કોર્ટમાં

અપીલ દાખલ કરી હતી. મહારાવ પ્રાગમલજીએ દાખલ કરેલી અપીલને તેમના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાએ પડકારી હતી. બાકીના પક્ષકારોએ અપીલને પડકારી નહોતી. બાદમાં હનુમંતસિંહ જાડેજાએ અપીલ પરત ખેંચી લીધી હતી. તે દરમિયાન મે ૨૦૨૧માં મહારાવનું નિધન થતાં તેમના વારસ તરીકે દાખલ થવા મહારાણી પ્રીતિદેવીએ અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ કેસમાં બંને પક્ષકારોને સાંભળી ભુજના દસમા અધિક સેશન્સ જજ આર.વી. મંદાણીએ પતરીવિધિ એકાધિકાર ઠેરવતો ચુકાદો આપ્યો છે. પ્રતિવાદી હનુમંતસિંહ જાડેજાના વકીલો દ્વારા કોર્ટમાં રજૂઆત કરાયેલી કે કચ્છના અંતિમ રાજવી મદનસિંહજીના જયેષ્ઠ પુત્ર મહારાવ પ્રાગમલજી ત્રીજાનું નિધન થઈ ગયું છે. તેઓ નિઃસંતાન હતા. તેથી પતરીની પૂજાવિધિનો અધિકાર હવે તેમને મળવો જોઈએ. ત્રીસ વર્ષ અગાઉ તેમણે પતરીવિધિમાં ભાગ લીધો હતો. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે હનુમંતસિંહજીને આવી પૂજા પરંપરામાં અગ્રતા મળવાનો કોઈ અધિકાર મળતો નથી. તેમણે છેલ્લાં ત્રીસ વર્ષથી પતરી વિધિમાં ભાગ લીધો નથી. પ્રતિવાદી હનુમંતસિંહના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે દોઢસો વર્ષ જૂની પરંપરામાં કયારેક કોઈ સ્ત્રીએ પતરીવિધિ નથી કરી. તેથી પૂજાનો અધિકાર પ્રીતિદેવીને મળવો જોઈએ નહીં. કોર્ટે રાજ પરિવારના નિકટના સદસ્ય તરીકે પ્રીતિદેવીને ઠેરવી પૂજાવિધિનો એકાધિકાર માત્ર તેમનો જ હોવાનો અને એક મહિલા હોવાના નાતે તેમને પૂજાનો અધિકાર આપતાં અટકાવી ના શકાય તેમ જણાવી આ દલીલથી કોર્ટને આદ્યાત લાગ્યો હોવાનું જણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું કે આપણે સૌ ભારતના ઈતિહાસથી વાકેફ છીએ. બ્રિટિશકાળમાં જયારે પતિના મોત બાદ રાણી લક્ષ્મીબાઈનો રાજયાભિષેક થયો ત્યારે બ્રિટિશર્સથી લઈ અન્ય રાજાઓ અને લોકોએ તેનો જોરદાર વિરોધ કરેલો. પરંતુ રાણી લક્ષ્મીબાઈએ એક શ્રેષ્ઠ શાસક તરીકે તેમનું કૌવત પૂરવાર કરેલું. આજે પણ આપણે સૌ તેમની હિંમત અને બહાદુરીને સલામ કરીએ છીએ. લિંગભેદને નાબૂદ કરી સ્ત્રી સમાનતા આણતાં યુનોના 'કન્વેન્શન ઓન ધી એલિમીનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમીનેશન અગેઈન્સ્ટ વુમન (CEDAW)' કે જેનો ભારત સરકારે પણ સ્વિકાર કરી અમલમાં મૂકયો છે તેનું વિસ્તૃત ઉદાહરણ આપી કોર્ટે નોંધ્યું કે આજ સુધી કોઈ મહિલાએ પતરીવિધિ નથી કરી તે દલીલનો જવાબ આપણો ઈતિહાસ છે, રાણી લક્ષ્મીબાઈનું દ્રષ્ટાંત છે. સતીપ્રથા, બાળકીઓને દૂધપીતી કરવાની પ્રથા, વિધવા પુનર્લગ્ન પ્રતિબંધ, સ્ત્રી શિક્ષણ પ્રતિબંધ જેવી કુપ્રથાઓ સમય સાથે નાબૂદ થતી ગઈ છે. તે સમયે પણ તેનો દ્યણો વિરોધ થયેલો. ચામર-પતી વિધિ માતાજીને પ્રસન્ન કરવાની પૂજાવિધિ છે. તે પૂજા એક મહિલા જ કરશે. ત્યારે એક મહિલાને તે પૂજા કરતી અટકાવવાથી ખોટો દાખલો બેસશે. આવો ભેદભાવ માતાજીનું અપમાન ગણાશે.

મહિલા જગતને સન્માન આપતો ચુકાદોઃ મહારાણી પ્રીતિદેવી

ચુકાદાને વધાવતાં મહારાણી પ્રીતિદેવીએ આ ચુકાદાને સમગ્ર મહિલા જગતને સન્માન આપતો ચુકાદો ગણાવી ન્યાયતંત્રનો આભાર માન્યો છે. ન્યાય તંત્રએ મહિલા સમાનતા માટેના કરેલા વિચારને આગળ ધપાવવા પોતાની કટિબધ્ધતા વ્યકત કરી છે.

(10:37 am IST)