Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભાવનગરમાં નવ માસ પૂર્વે સગી માતાની હત્યામાં સંડોવાયેલા પુત્રને આજીવન કેદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૨ : નવ માસ પુર્વે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ તાબેના માલવણ ગામે સગી માતાની હત્યા કેસમાં સંડોવાયેલા પુત્ર સામે હત્યાનો કેસ નોંધાયેલો હતો આ અંગેનો કેસ આજરોજ ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામે હત્યાનો ગુન્હો સાબિત માની આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી .

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે બુધાભાઈ લીલુભા ગોહિલ તેના માતા - પિતા સાથે રહેતો હોય અને કોઈ કામ ધંધો કરતો ન હોય , જેથી કામધંધા બાબતે તેમજ અન્ય નાની - મોટી વાતમાં આરોપીને તેમજ તેની માતા વસનબા લીલુભા ગોહિલ (ઉ.વ .૭૫) ની સાથે અવાર - નવાર બોલાચાલી , લડાઈ - ઝગડો થતો હોય , તે અંગેનો રાગદવેશ રાખી જયેન્દ્રસિંહ ગોહિલે ગઈ તા .૨૮/૧૨/૨૦ ના રોજ વહેલી સવારે તેમની માતા વસનબાને ઢીકાપાટુનો માર મારી તેના રહેણાંકના મકાનના ઓરડામાં પડેલ લોખંડના દંતાળના દાંતના બે દ્યા પેટના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોચાડી મોત નિપજાવેલ . ઉપરોકત બનાવ અંગે આરોપીના ભાભી ભાવનાબા વિરમદેવસિંહ ગોહિલ રહે . માલવણ તાબે – સોનગઢવાળાએ જે તે સમયે સોનગઢ પોલીસ મથકમાં આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે બધાભાઈ લીલુભા ગોહિલ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઈ.પી.કો.કલમ -૩૦૨ , જી.પી.એકટ –૧ ૩૫ મુજબનો ગુન્હો નોંધાવ્યો હતો . આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો , મૌખિક પુરાવા -૧૨ અને દસ્તાવેજ પુરાવા -૩ પ વિગેરે ધ્યાને રાખી આરોપી જયેન્દ્રસિંહ ગોહિલને ઈ.પી.કો.કલમ -૩૦ ર મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂપીયા ૧ હજારનો દંડ અને જો આરોપી દંડના ભરે તો વધુ ૧ માસની કેદની સજા અદાલતે ફટકારી છે.

(11:47 am IST)