Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જુનાગઢમાં અંજુમ હોથીની હત્યા કરનાર આરોપી પોલીસના હાથવેંતમાં

(વિનુ જોશી) જુનાગઢ તા.રર : જુનાગઢમાં રાત્રૈ એક શખ્સે છરીના આડેધડ ઘા ઝીકી  યુવાનની નિર્મમ હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઇ હતી.

હત્યાના બનાવનો આરોપી પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં ખામધ્રોળ  રોડ વિસ્તારમાં આવેલ યમુનાનગરમાં રહેતો અંજુમ ઉર્ફે મુસા ઇસાકભાઇ હોથી - સંધી (ઉ.વ.રપ) નામના  યુવાન સાથે શહેરના સુખનાથ  ચોક પાસે આવેલ કુંભારવાડામાં રહેતો મહમદ ઉર્ફે મમલો ઇબ્રાહીમ ઉર્ફે ભીખુભાઇ કુરેશી નામનો ઇસમ અવાર નવાર ઝઘડા કરતો હતો.

દરમિયાન ગત મોડી સાંજે સુખનાથ ચોક પાસે વાલી બે સોરઠ પુલ  પાસે મહમદ ઉર્ફે મમલો અંજુમ ઉપર છરી સાથે તુટી પડયો હતો. આ શખ્સે યુવાનને માથા તેમજ છાતીના નીચેના ભાગે અને ડાબા પગની સાથળમાં છરીના ઘા ઝીંકી આડેધડ માર મારતાં ગંભીર ઇજા થવાથી અંજુમ ઢળી પડયો હતો.

લોહી લોહાણ હાલતમાં અંજુમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

હત્યાના બનાવનીજાણથતા ડીવાયએસપી પ્રપિદસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠ એ ડીવીઝનના પી.આઇ.એમ.એમ.વાઢેર, પી.એસ.આઇ. એ.કેે.પરમાર તથા રાઠોડ વગેરે દોડી ગયા હતા અને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે મૃતકના નાનાભાઇ ફેઝલની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વિશેષ તપાસ પી.આઇ. વાઢેર ચલાવી રહયા છે.  

 

(3:06 pm IST)