Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે 13 મરઘીઓના બર્ડફલુ રિપોર્ટ પોઝીટીવ આવતા ચિંતા

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં બર્ડફ્લૂએ દસ્તક આપી છે. 13 દિવસ પૂર્વે ઉનાના ચીખલી ગામે મુરઘીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો. તેમાંથી 13 મરઘીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ત્યારે હવે એકસાથે 13 કેસ આવવાથી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પશુપાલન વિભાગ પણ દોડતું થયું છે.

ગીર-સોમનાથમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી

ઉનાના ચીખલી ગામે થોડા દિવસ પહેલા 18 મરધીઓના મોત થયા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં બર્ડ ફ્લૂની કોઈ દહેશત ન હોવાનું પશુપાલન વિભાગ દ્વારા કહેવાયું હતું. પરંતું અચાનક પક્ષીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જિલ્લા પશુપાલન અધિકારી ઉપરાંત જૂનાગઢથી ખાસ નાયબ નિયામક મોબાઈલ લેબોરેટરી સાથે ટીમ લઈ તાબડતોબ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને મૃત તેમજ બીમાર અને તંદુરસ્ત મરઘીઓના બ્લડ સેમ્પલ લઈ વિસ્તૃત પરીક્ષણ અર્થે ભોપાલ લેબ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી. તકેદારીના ભાગ રૂપે મૃત મરઘી અને બીમાર અને તંદુરસ્ત મરઘીના બ્લડ સેમ્પલ લેવાયા હતા. તમામ સેમ્પલ ભોપાલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ભોપાલ લેબ ખાતેના પરીક્ષણમાં મરઘીઓના 13 સેમ્પલ બર્ડફ્લુ પોઝિટિવ આવ્યા છે. જેથી હવે સ્થાનિક તંત્રમાં દોડધામ મચી છે.

ચીખલીમાં કિલિંગ કામગીરી કરાશે

ચીખલીમાં બર્ડ ફ્લૂ આવતા જ હવે આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યામાં કિલિંગ (અન્ય પક્ષીઓના મોત) ની કામગીરી હાથ ધરાશે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પશુપાલન વિભાગના નાયબ નિયામકની ટીમે મોબાઈલ લેબ સાથે સ્પોટ વિઝીટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ફાર્મ હાઉસમાં પણ 100 જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો હતો. એક અઠવાડિયામાં 100 થી વધુ મરઘા મોતને ભેટયા હોવાનો ફાર્મ હાઉસના માલિક ભાવેશ ચૂડાસમાએ કહ્યું હતું.  ફાર્મહાઉસના માલિક દ્વારા મરઘાઓના મોતને લઈ ખુલાસો કરાયો હતો કે, 80 જેટલા મરઘાને વન્ય પ્રાણીએ ઇજા પહોંચાડી હતી. જોકે અન્ય મરઘીઓ ભેદી રોગ કે ખોરાકના ફેરફારના કારણે મોતને ભેટી હોઈ શકે છે.

(4:49 pm IST)