Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

સાણથલીમાં પાણી વહ્યા : જામકંડોરણા : જામનગર-અમરેલીમાં ઝાપટા

રાજકોટમાં હળવા છાંટા : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનાં સૂસવાટા સાથે વાતાવરણમાં પલ્‍ટો

રાજકોટ તા.રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે વાદળછાયા વાતાવરણ વચ્‍ચે અને ઠંડા પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદી છાંટા પડયા છે. ભરશિયાળે માવઠું વરસતા ખેડૂતોને ઉપાધી થઇ છે. રાજકોટ શહેરના અનેક વિસ્‍તારોમાં હળવા છાંટા વરસ્‍યા હતા આ ઉપરાંત જામનગર અને અમરેલીમાં પણ આજે સવારે કમોસમી છાંટા વરસ્‍યા છે.
ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્‍ચે હવામાનમાં પલ્‍ટો જોવા મળ્‍યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદ સહિતના અનેક શહેરોમાં ધુમ્‍મસભર્યુ વાતાવરણ જોવા મળ્‍યું છે. ધુમ્‍મસને કારણે મહત્તમ વિસ્‍તારોમાં વિઝીબીલીટી ઘટી ગઇ હતી. ૧પ૦ થી ર૦૦ મીટરના અંતર પર સ્‍પષ્‍ટ જોવુ પણ મુશ્‍કેલ બન્‍યું હતું. રસ્‍તા પર વાહન ચાલકોને ધુમ્‍મસને કારણે વિઝીબીલીટી ઘટતા વાહન ચલાવવામાં તકલીફનો સામનો કરવો પડયો હતો.
વાહન ચાલકોએ વાહનની લાઇટો ચાલુ કરવી પડી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ અને સાઇકલોનિક સકર્યુલેશન સીસ્‍ટમને કારણે આગામી ૪૮ કલાક સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહી શકે છે.
આ દરમિયાન હવામાન વિભાગે રાજયમાં ર દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં હળવા વરસાદની શકયતા છે.
દક્ષિણ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે રવિપાકની સીઝન વચ્‍ચે વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતામાં માહોલ છે. બે દિવસ બાદ માવઠાની અસર ઓછી થતાં જ રાજયમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્‍ડનો પ્રારંભ થાય એવી સંભાવના છે. આગામી પાંચ દિવસ કચ્‍છ અને સૌરાષ્‍ટ્રના દરિયા કિનારે ભારે ભવન ફુંકાશે, જખૌ, માંડવી, મુંદ્રા, ન્‍યુ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયા કિનારે ૬૦ કી. મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે.
આટકોટ
(હસમુખ વસાણી, વિજય વસાણી દ્વારા) આટકોટ - સાણથલી આજે સવારે જસદણના સાણથલીમાં પણ વરસાદ વરસતા રસ્‍તા ઉપરથી પાણી વહયા હતા નેવા ઉપરથી પાણી વહયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શિયાળામાં વહેલી સવારે ૪ વાગ્‍યાથી સવારના ૭ વાગ્‍યા સુધી ઝાપટારૂપે આ વરસાદ પડયો હતો.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરમાં ફરી એક વખત માવઠું પડયું છે. જામનગરના અમુક વિસ્‍તારમાં વહેલી સવારે ઠંડા પવન સાથે છૂટો છવાયો વરસાદ પડયો હતો.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીમાં ગઇકાલે રાત્રીથી હવામાનમાં પલ્‍ટો આવ્‍યો છે અને પવનના સુસવાટા સાથે આજે સવારે કમોસમી છાંટા વરસ્‍યા હતા જેના કારણે રસ્‍તાઓ ભીના થઇ ગયા હતાં.
જામકંડોરણા
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા : આજે વહેલી સવારે વાતાવરણમાં પલ્‍ટો આવતા કમોસમી વરસાદનું રોડ ભીના થાય તેવું વરસાદનું ઝાપટું પડી ગયું હતું.
આ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડુ બની ગયું હતું. આ વરસાદથી ચણા, ધાણા, જીરૂ, ડુંગળી, સહિતના ખેતીના પાકોને નુકશાનીની ભિતી સેવાઇ રહી છે.

પડધરી- જામનગર વચ્‍ચે વાદળા સાથે છાંટા
રાજકોટ, તા. રર : આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટા સાથે અનેક જગ્‍યાએ કમોસમી વરસાદ પડયો છે. જેમાં સવારે રાજકોટ જામનગર હાઇ-વેગ ઉપર પડધરી-જામનગર વચ્‍ચે જાયવા નજીક માવઠુ વરસ્‍યુ છે અને વાદળા છવાયા છે.

કયાં કેટલી ઠંડી
શહેર     લઘુતમ તાપમાન
અમદાવાદ    ૧૯.૯ ડિગ્રી
વડોદરા     ૧૮.૦ ડિગ્રી
ભાવનગર     ર૦.ર  ડિગ્રી
ભૂજ    ૧૮.૬ ડિગ્રી
દમણ    ર૦.ર  ડિગ્રી
ડીસા     ૧૭.૪ ડિગ્રી
દીવ     ર૧.૦ ડિગ્રી
દ્વારકા     રર.૪ ડિગ્રી
ગાંધીનગર     ૧૭.પ ડિગ્રી
કંડલા     ર૦.ર ડિગ્રી
નલીયા     ૧૯.૮ ડિગ્રી
ઓખા     રર.૦ ડિગ્રી
પોરબંદર    રર.૦ ડિગ્રી
રાજકોટ     ર૦.૦ ડિગ્રી
સુરત     ર૧.૦ ડિગ્રી
વેરાવળ     ર૩.૭ ડિગ્રી
જામનગર     ૧૭.૦ ડિગ્રી

 

(11:35 am IST)