Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીમાં ધમાલગલીના આયોજનથી ભુલાયેલી શેરી રમતો જીવંત થઈ.

ભૂલકાઓથી માંડી વડીલોએ શેરીરમત રમવા સાથે બચપણ યાદ કર્યું.

મોરબી : વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા આજે રવિવારે ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબીના બાળકો સહિતના લોકો આવ્યા હતા અને શેરી રમતો રમીને વડીલો સહિતના લોકોએ તેના બચપનના દિવસોને યાદ કર્યા હતા

આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને ફોટાથી રમવું, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા આજે સવારે સાત વાગ્યાથી ભવાની જીન મીલ કું. શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની બાજુમાં ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં બાળકો જુમ્બા ડાન્સ, ગરબા, યોગા, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી શકશે તેની સાથોસાથ બાળકો અને ખાસ નેત્રહિન ભાઈ બહેનો ક્રિકેટ, પ્લેઈગ કાર્ડ, ચેસ, લુડો સહિતની જૂની શેરી રમતો રમી હતી

આ કાર્યક્રમમાં મોરબીના શિક્ષણ ક્ષેત્રના અગ્રણી કિશોરભાઇ શુક્લ, મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના સંચાલક હાર્દિકભાઇ પડલિયા સહિતના હાજર રહ્યા હતા અને બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે વાલીઓને આગેવાનો દ્વારા ટકોર કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ અશોકભાઈ મહેતા, બંસી શેઠ, સેક્રેટરી રસેશ મહેતા અને ધમાલગલીના ચેરમેન સિદ્ધાર્થ જોશી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(10:04 pm IST)