Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત દોશી હોસ્‍પીટલ ખાતે આઠ દિવસીય નિઃશુલ્‍ક નેત્રનિદાન મેગા કેમ્‍પ

યુ.કે.ના દાતાશ્રીઓના સહયોગથી પાંચમો મેગા કેમ્‍પ ખુલ્લો મુકાયો : યુ.કે.થી ખાસ તબીબો સેવા આપવા ઉપસ્‍થિત રહેશેઃ લલિતભાઇ મહેતાઃ તા. ર૧ થી ર૮ જાન્‍યુ. સુધી ચાલનારા મેગા કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં દર્દીઓ લાભ લેશેઃ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા દાતાશ્રી અને ટ્રસ્‍ટીઓને કામગીરી બદલ બિરદાવતા રાજવી પરિવારના કેશરીદેવસિંહજી ઝાલા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૩ :.. વાંકાનેરમાં આવેલ ખ્‍યાતનામ શ્રી દેવદયા ચેરી. ટ્રસ્‍ટ સંચાલીત એન. આર. દોશી આંખની હોસ્‍પીટલ ખાતે તા. ર૧ થી ર૮ (આઠ દિવસ) નિઃશુલ્‍ક  નેત્રરોગ નિદાન તથા સારવાર માટે મેગા કેમ્‍પનું ભવ્‍ય આયોજન કરાયું છે.

તાજેતરમાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગના કારણે લોકોની આંખોની તકલીફો વધી હોવાની અનેક ફરીયાદોને ધ્‍યાને લઇ આવા કેમ્‍પોની જરૂરીયાત વર્તાઇ રહી હતી.

ત્‍યારે વાંકાનેરની પ્રખ્‍યાત દોશી હોસ્‍પીટલ ખાતે યુ. કે.ના દાતાઓના સહયોગથી પાંચમાં વિનામુલ્‍યે મેગા કેમ્‍પનું આયોજન કરાયું હતું.

આ મેગા કેમ્‍પના ઉદઘાટન પ્રસંગે કેમ્‍પના દાતાશ્રી અને યુ. કે. સ્‍થીત જશોદા ફાઉન્‍ડેશન વતી પોરબંદરના વતની મનોજભાઇ, ભાનુમતીબેન ખાણપાણીયા પરિવાર ઉપરાંત યુ. કે. સહિત અન્‍ય વિદેશથી પધારેલ ખાસ મહેમાનો તેમજ હોસ્‍પીટલના ટ્રસ્‍ટી અને પૂર્વ સાંસદ શ્રી લલિતભાઇ મહેતા, અનુભાઇ મહેતા (અનુકાકા) તથા રાજ પરિવારના નામદાર મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, ઉદ્યોગપતિ અને ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલ સહિત આમંત્રીત મહેમાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થીત રહ્યા હતાં.

ઉપરોકત નેત્ર નિદાન કેમ્‍પ તા. ર૧ થી ર૮ સુધી (આઠ દિવસ) ચાલશે જેમાં દરેક દર્દીને વિનામુલ્‍યે નિદાન તથા સારવાર આપવામાં આવશે. આ મેગા કેમ્‍પમાં યુ. કે.ના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે તેમ દોશી હોસ્‍પીટલના મેનેજર ધવલભાઇ કથીરિયા તથા ટ્રસ્‍ટીશ્રી લલિતભાઇ મહેતાએ જણાવ્‍યું હતું.

ઉપરોકત મેગા કેમ્‍પનો લાભ લેવા વાંકાનેર તથા પંથકના દર્દીઓની સવાર થી જ લાઇનો જોવા મળી હતી. આ મેગા કેમ્‍પના ઉદઘાટન પ્રસંગે શ્રી લલિતભાઇ મહેતા તથા શ્રી કેશરીદેવસિંહજી ઝાલા (રાજ પરિવાર -વાંકાનેર) તથા ચેમ્‍બર પ્રમુખ ઉદ્યોગપતિ શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન આપ્‍યુ હતું. શ્રી મહેતા દ્વારા હોસ્‍પીટલની કામગીરી વર્ણાવી હતું.

(10:53 am IST)