Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હળવદમાં કવાડિયા ગામે ૧૦થી વધુ ટીટોડીના ભેદી મોત

છેલ્લા ત્રણ દિવસમાં અન્‍ય કોઇ પક્ષી નહિ માત્ર ટીટોડીના મોત થતાં વનતંત્ર યોગ્‍ય તપાસ કરે તેવી માંગ

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨૩ : હળવદના કવાડિયા ગામે છેલ્લા ત્રણ દિવસમાં વારાફરતી ૧૦થી વધુ ટીટોડીના ભેદી રીતે મોત થતા ચકચાર મચી ગઇ છે. જો કે, છેલ્લા ત્રણ દિવસમાં અન્‍ય કોઈ પક્ષી નહિ માત્ર ટીટોડીના મોત થતા વનતંત્ર યોગ્‍ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કવાડિયા ગામે આવેલ દાદુભાઈ પ્રભુભાઈ ઠાકોરની વાડીની આસપાસ છેલ્લા ત્રણ દિવસમાં ૧૦થી વધુ ટીટોડીના મોત નિપજયા હતા. દરરોજ ત્રણ ત્રણ મળીને ૧૦ ટીટોડીના મોત થવાથી ગ્રામજનોમાં રોષ વ્‍યાપી ગયો છે. ગ્રામજનોના જણાવ્‍યા મુજબ બીજા કોઈ પક્ષી જ નહિ પણ માત્ર ટીટોડીના મોત થતા રહસ્‍ય છવાયુ છે. આથી વન તંત્ર ક્‍યાં કારણોસર આ ટીટોડીના મોત થયા એનું ચોક્કસ કારણ બહાર લાવે તેવી માંગ કરી છે.

આ અંગે પશુ ચિકિત્‍સકે જણાવ્‍યું હતું કે, પશુ પક્ષીઓમાં રોગ નહિ પણ ઠંડીનું વધુ પ્રમાણ હોય પક્ષીઓમાં એની વધુ વિપરીત અસર થાય છે.અગાઉ પણ હળવદના દેવાળીયા, માલણીયાદ સહિતના ગામોમાં ઠંડીના કારણે પક્ષીઓના મોત થયા હતા. એટલે આ બનાવમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી આ પક્ષીના મોત થયા હોવાની શક્‍યતા છે.

(10:53 am IST)