Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રૂા. ૧ લાખનું ૧પ% વ્‍યાજ આપ્‍યા બાદ પણ વ્‍યાજખોરોની મોતની ધમકી

માંગરોળનાં યુવાનની ૪ શખ્‍સો સામે ફરિયાદ

(વિનુ જોશી) જુનાગઢ તા. ર૩ :.. રૂા. ૧ લાખનું ૧પ ટકા વ્‍યાજ આપ્‍યા બાદ પણ વ્‍યાજખોરોએ માંગરોળનાં યુવાન અને તેના ભાઇઓને મોતનો ભય બતાવી ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

માંગરોળમાં શારદાગ્રામ પાસે રહેતા અશ્વિન પીઠાભાઇ કરગઠીયા નામનાં યુવાને અંત કામ સબબ સમીરખાન ફિરોજખાન પઠાણ મારફતે જુનાગઢનાં જોશીપરા ખાતેના ફાઇવ સ્‍ટાર હોમલોનવાળા હારૂનભાઇ પાસેથી તા. ૧૬-૯-ર૦રર નાં રોજ રૂા. ૧ લાખ ૧પ ટકા વ્‍યાજે લીધા હતાં.

આ સમયે બંને શખ્‍સોએ રૂા. ૧પ હજારનું વ્‍યાજ બાદ કરીને અશ્વિનભાઇને રૂા. ૮પ હજાર આપ્‍યા હતાં. આ પછી યુવાન દર મહિને સમીરખાનનાં બેંક ખાતામાં વ્‍યાજ નાણા ઓનલાઇન ટ્રાન્‍સફર કરતો હતો.

રૂા. ૧ લાખની અવેજમાં અશ્વિન કરગઠીયાએ પોતાનાં બે કોરા ચેક અને અલ્‍ટો કારની અસલ આરસી બુક આપી હતી. પરંતુ આર્થિક તકલીફમાં આવી જતાં યુવાન વ્‍યાજનાં પૈસા બંને શખ્‍સોને આપી શકયો ન હતો.

દરમ્‍યાન ગત તા. ર૧ ની રાત્રે સમીરખાન તેમજ ભાર્ગવ પુરોહિત અને સદામ નામનો શખ્‍સ જીજે-૧૧-સી.એચ.-૧૯૯ નંબરની કારમાં અશ્વિનભાઇનાં ઘરે આવ્‍યા હતાં. આ ઇસમોએ યુવાન તેમજ તેના ભાઇઓને મોત નિપજાવવાનો ભય બતાવી યુવકને કાર બળજબરીથી લઇ જવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે યુવાનની ફરિયાદનાં આધારે માંગરોળ મરીનનાં પી.એસ.આઇ. એસ. આર. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)