Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પશુઓ સાથે વિચરતા માલધારી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કેન્‍દ્ર સરકાર વચનબધ્‍ધ : પરસોત્તમભાઈ રૂપાલા

કચ્‍છમાં ૧૭ રાજ્‍યોના યુવા માલધારીઓના સંમેલનમાં રાષ્‍ટ્રીય સંગઠનની રચના, એલએલડીસી, શ્રોફ પરિવાર દ્વારા આયોજન, ફરતાં માલધારીઓને સર્વે કરી ઓળખપત્ર અપાશે, દેશમાં ૪૦૦૦ ફરતા પશુ દવાખાના કાર્યરત

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : કેન્‍દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્‍ય કેશુભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ભુજ નજીક એલએલડીસી મ્‍યુઝીયમ મધ્‍યે યુવા માલધારી સંમેલન ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી  રૂપાલાએ કાર્યક્રમમાં ઉપસ્‍થિત દેશના ૧૭ રાજ્‍યોના ૩૦ જેટલા અલગ અલગ માલધારી સમુદાયના યુવાનોને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વિચરતા માલધારી સમુદાયને મદદરૂપ બનવા માટે અનેક પગલાં લેવાયા છે. જેમાંથી મુખ્‍યત્‍વે દરેક પશુઓનું સરકારી ખર્ચે રસીકરણ ઉપરાંત ૧૯૬૨ મોબાઈલ એમ્‍બ્‍યુલન્‍સ ડીસ્‍પેન્‍સરી છે.જે અંતર્ગત અત્‍યારે ૪૦૦૦ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. જે એક ફોન દ્વારા સ્‍થળ પર જઈ બિમાર પશુઓની મફત સારવાર કરે છે. આ ઉપરાંત પશુઓ સાથે વિચરતી વખતે માલધારીઓને નડતી ગામોમાં પ્રવેશ સમયે થતી નડતર, વન વિભાગ દ્વારા ચરિયાણ માટે ઊભી કરાતી મુશ્‍કેલી સહિતના પ્રશ્‍નો માટે પશુપાલન વિભાગની અધ્‍યક્ષતામાં વન મંત્રાલય તેમ જ ગળહ મંત્રાલયની સયુંકત કમિટીનું ગઠન કરાશે જેમાં માલધારી પ્રતિનિધિ પણ રહેશે. જોકે, પશુઓ સાથે વિચરતા માલધારીઓનો સર્વે કરી અને તમામને ઓળખપત્ર આપવા માટેની જાહેરાત પણ  રૂપાલાએ કરી હતી. આ સંમેલનમાં ઉપસ્‍થિત કેન્‍દ્રીય પશુપાલન વિભાગના અધિકારીઓને સૂચન કરતાં   રૂપાલાએ જણાવ્‍યું હતું કે, માલધારી સમુદાયના આંતરિક સંગઠનમાં ચાલતી સમુદાયના વડાની પટેલ પ્રથા અંગે જાણકારી મેળવી હવેથી આ સમુદાયના વડા મારફતે સરકારી યોજનાઓ અને આયોજનની વ્‍યવસ્‍થા ગોઠવવા જણાવ્‍યું હતું. સમુદાયના આંતરિક સંગઠનના સહકાર થકી સરકાર પણ સઘન કામગીરી કરી શકશે.  રૂપાલાએ પશુઓના દૂધનો માત્ર દૂધ તરીકે જ વેંચાણ કરવાને બદલે દૂધમાંથી અન્‍ય પ્રોડક્‍ટ બનાવી કઈ રીતે પશુપાલકો આર્થિક સધ્‍ધરતા પ્રાપ્ત કરે તે માટે પણ પોતાના વિભાગના અધિકારીઓને સંશોધન કરવા તાકીદ કરી હતી. અત્‍યારે ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા છાણ ખરીદવાનું શરૂ કરાયું હોવાનુ અને આવનારા દિવસોમાં ગોબર તરીકે છાણની માંગ વધશે એવું   રૂપાલાએ ઉમેર્યું હતું. સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્‍ય કેશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સહજીવન સંસ્‍થાના સંદીપ વિરમાણી અને મનોજ મિશ્રાએ પાંચ દિવસના એલએલડીસી વિન્‍ટર ફેસ્‍ટિવલનો હેતુ પશુઓ સાથે વિચરતા માલધારી સમુદાયના પરંપરાગત વ્‍યવસાય સાથે માલધારીઓની આજની યુવા પેઢી જોડાય તેમજ માલધારી સમુદાયને નડતા પ્રશ્‍નો તેમના ઉકેલ વિશેની ચર્ચા થાય. ઉપરાંત દેશના અલગઅલગ રાજ્‍યોના વિવિધ સમુદાયના માલધારીઓ પરસ્‍પર મળે અને એકબીજાની રહેણીકરણી, હસ્‍તકલા અને લોકસંગીતથી વાકેફ થાય તેમનું એક રાષ્‍ટ્રીય સંગઠન રચાય એ હોવાનું જણાવ્‍યું હતું. મુખ્‍ય આયોજક સંસ્‍થા એલએલડીસી અને શ્રોફ ફાઉન્‍ડેશનના વડા દીપેશભાઈ શ્રોફએ આયોજનનો મુખ્‍ય શ્રેય કચ્‍છ નવનિર્માણ અભિયાનના સુષ્‍માબેન આયંગરને આપ્‍યો હતો. અગાઉ દિલ્‍હી અને અમદાવાદમાં પણ આ જ થીમ પર માલધારી સમુદાય અંગેના આયોજન થઈ ચુકયા છે. પરંતુ કચ્‍છમાં પ્રથમ વખત જ માલધારીઓનું રાષ્‍ટ્રીય સંગઠન રચાયું છે. સમગ્ર વ્‍યવસ્‍થા અને આયોજન સહજીવન સંસ્‍થાના રમેશ ભટ્ટી અને એલએલડીસીના મહેશ ગોસ્‍વામી અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમમાં કેન્‍દ્ર સરકારના પશુપાલન વિભાગના  ઉચ્‍ચ અધિકારીઓ ડો. અભિજિત, ડો. શાહુ, ડો. ખેમચંદ, ફોકિયાના નિમેષ ફડકે સહિતના અગ્રણીઓ અને માલધારી સમુદાયના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:06 pm IST)