Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામનગરમાં વિજ બીલ ભરવામાં ઠાગાઠૈયા કરતા વિજ ગ્રાહકો સામે વિજતંત્રની લાલ આંખ

સેન્‍ટ્રલ ઝોન પેટા વિભાગના ૩૦ વીજ ગ્રાહકોના વીજ જોડાણો કટ કરાયાઃ સ્‍થળ પર રૂપિયા આઠ લાખની વસુલાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૩:  જામનગરના પીજીવીસીએલના સેન્‍ટ્રલ ડિવિઝન સબ ડિવિઝન હેઠળ ના વિસ્‍તારમાં આવતા વિજ ગ્રાહકોક્ષ કે જેઓ લાંબા સમયથી નાણા ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે, તેઓ સામે વિજતંત્રએ લાલા આંખ કરી હતી અને ગઈકાલે રવિવારે એક જ દિવસમાં ઝુંબેશ હાથ ધરી ૩૦ વીજ જોડાણો કટ કરી નાખવામાં આવ્‍યા છે, ઉપરાંત રૂપિયા ૮ લાખની સ્‍થળ પર જ વસૂલાત કરી લેવામાં આવી હતી.

જામનગર સેન્‍ટ્રલ ઝોન પેટા વિભાગના વીજ ગ્રાહકો કે જેઓએ એક થી વધુ પાછળના બિલની રકમ ભરપાઈ ન કરી હોય, તેવા ગ્રાહકોના વીજ જોડાણો કાપવા અર્થે નાયબ ઇજનેર અજય પરમાર તથા જુનિયર ઇજનેરની ટિમ દ્વારા રવિવાર ના રોજ જાતે ફિલ્‍ડ પર ઉતરી ને વીજ જોડાણો કાપવાની કામગીરી કરી હતી. કચેરી અધિકારી દ્વારા જણાવ્‍યા મુજબ રવિવાર ના એક જ દિવસ માં મોટા શોપિંગ કોમ્‍પલેક્ષ તથા વાલકેશ્વરી નગરી તથા અન્‍ય ઘણા વિસ્‍તારોમાં ૩૦ જેટલા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત ૯૦ જેટલા વીજ જોડાણો ના બાકી રકમ આશરે ૮ લાખ ની વસુલાત પણ તાત્‍કાલિક ધોરણે સ્‍થળ પર જ વસુલી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વિજ તંત્ર દ્વારા રવિવારના રોજ રજાના દિવસે પણ કચેરી ચાલુ રાખીને ગ્રાહકોની સહુલિયત અર્થે કેશ વિન્‍ડો પણ ચાલુ રાખવામાં આવી છે.

(2:34 pm IST)