Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સાવરકુંડલાના આદસંગ નજીક વેરહાઉસના કામમાં ગેરરીતિની રાવ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૩ :.. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી ખેત પેદાશોને સાચવવા માટે વેરાઉસ નિર્માણ કરી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે વેરહાઉસ બનાવતા કોન્‍ટ્રાકટરોની મેલી મુરાદને કારણે વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર કરીને વેરહાઉસના કામમાં લોટ પાણીને લાકડા તથા આવવાની ફરીયાદો ઉઠવા પામી છે ત્‍યારે સાવરકુંડલાના આદસંગ નજીક વેરહાઉસના કામમાં વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર થતો હોવાનો સામે આવ્‍યું છે. આદસંગ ગામ કુંડલાના ધારાસભ્‍ય મહેશભાઇ કસવાળાનુ ગામ છે. અને અહીં કોન્‍ટ્રાકટરો દ્વારા નબળી કામગીરી કરી રહ્યાનું સામે આવ્‍યું છે.

આદસંગ ગામના પાદરમાં એક કરોડ ૬પ લાખના ખર્ચે બનતા વેરહાઉસનું કામગીરી ચાલી રહી છે ૧ કરોડ ૬પ લાખના ૧ એવા આશરે પાંચ જેટલા બનતા વેરહાઉસમાં ઇંટોની જગ્‍યાએ બેલાઓ મૂકી ભ્રષ્‍ટાચાર કરવામાં આવી રહ્યો છે સિમેન્‍ટ પણ હલકી કક્ષાની વાપરીને વેરહાઉસના કામમાં રેતીની જગ્‍યાએ કાળી કપચીનો પાવડર વાપરવામાં આવી રહ્યો હોવાના સ્‍પષ્‍ટપણે મીડિયાના કેમેરામાં કેદ થયું હતું કાળી કપચીના પાવડરનો ભૂકો રેતીની જગ્‍યાએ વાપરીને કરોડો રૂપિયાના ખર્ચે સરકારના વિકાસનું આંધણ આદસંગ ગામે કોન્‍ટ્રાકટરો કરી રહ્યા હોવાનું પ્રતિતી જોવા મળી રહી છે. વેરહાઉસની હાઇટ છે જે ઇંટો પર ઉભી કરવાની હોય તેની જગ્‍યાએ મસમોટા બેલાઓ વાપરીને પ્‍લાન એસ્‍ટીમેટના નીતિ નિયમોને ધોળીને પી જતા કોન્‍ટ્રાકટરો બેલા વાપરી રહ્યા છે નું લોકો જણાવી રહ્યા છે. ત્‍યારે રેતીની જગ્‍યાએ કાળી કપચીનો પાવડરનો ઉપયોગ કરીને વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર થતો હોવાનું સ્‍થાનિકો અને સરપંચોએ લેખિતમાં મુખ્‍યમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં કરોડોના ખર્ચે બનતા વેરહાઉસમાં લોટ પાણીને લાકડા જેવી સ્‍થિતિ કોન્‍ટ્રાકટરો કરી રહ્યા હોવાનો લેખિત પત્ર પાઠવવા છતાં પણ હજી લોલમલોલ કામગીરી ચાલુ હોવાનું સ્‍થાનિકો રોષ ઠાલવી રહ્યા છે.

સાવરકુંડલાના આદસંગ ગામે કરોડોના ખર્ચે બનતા વેરાહાઉસમાં લોટ પાણી અને લાકડા જેવી સ્‍થિતિ નિર્માણ થતી હોય ત્‍યારે સરકારી તંત્ર દ્વારા ભ્રષ્‍ટાચારના ભોરીંગને નાથવા કયારે પગલા ભરે તે તો સમયે જ કહેશે.

(1:31 pm IST)