Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પોરબંદર : માચ્છીમારોને અપાતા સબસીડીવાળા ડીઝલના ભાવમાં અસમાનતા દુર કરવા માંગણી

મત્સ્યોયોગ સહકારી મંડળીઓના ડીઝલ વિજેતાઓની પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીને રૃબરૃ રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૩: મત્સ્યોદ્યોગ  સહકારી મંડળી સંચાલીત પંપોને આપવામાં આવતા ડીઝલમાં રીટેઇલ આઉટલેટ અને ફીશરીઝ આઉટલેટના ભાવ એક સરખા રાખવામાં આવે તો માછીમારોનું હિત જળવાય તે મુજબની મુખ્યમંત્રીને રૃબરૃ રજુઆત માછીમારોના હીતમાં કામ કરતી મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના ડીઝલ વિક્રેતા પ્રતિનિધિ મંડળે કરી હતી.

આ ઉપરાંત ડીઝલ પ્રશ્ને મુખ્યમંત્રી તેમજ દરીયાઇ પટી ઉપર આવતી લોકસભા બેઠકના ૬ સાંસદો  સહીત ફીશરીઝ કમીશ્નર, ડાયરેકટર, મત્સ્યઉદ્યોગ સચિવ, જીએફસીસીએના ડાયરેકટર, મત્સ્યોદ્યોગ  મંત્રીશ્રીઓ વગેરેને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા.

મત્સ્યોદ્યોગ સહકારી મંડળી ડીઝલ વિક્રેતા  પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું છે કે માછીમારોને ફીશીંગ કરવા માટે જરૃરી ડીઝલનો જથ્થો રાહતદરે મળતો રહે તે માટે સરકારની ગુજરાત ફીશીરીઝ સેન્ટ્રલ કો-ઓપરેટીવ એસોસીએશન લીમીટેડ સંસ્થા સહકારી મંડળીઓના માધ્યમથી જથ્થો વિતરણ કરે છે. સહકારી મંડળીઓ માછીમારોના હીતમાં હંમેશા રહે છે અને પડતર ભાવે ડીઝલ વિતરણ કરે છે.

રાષ્ટ્રીયકૃત ઓઇલ કંપની દ્વારા હાલમાં છુટક બજાર ભાવે જ ડીઝલ મંડળીઓને આપવામાં આવે છે. જેથી મંડળીઓ ફકત ઓપરેશનકોસ્ટ જ લગાવીને ડીઝલ માછીમારો સુધી પહોંચાડે છે. પરંતુ સહકારી મંડળીઓ સુધી ડીઝલ છુટક બજાર ભાવે પહોંચતુ હોવાથી અને તેમાં ઓપરેશન કોસ્ટ અને વેટ વગેરે લાગતુ હોવાથી હાલ માછીમારોને ડીઝલ બજાર ભાવ કરતા ૩.પ૦ રૃપીયા જેટલુ મોંઘુ પડી રહયું છે. જેથી સહકારી મંડળીઓને પણ ડીઝલ રાષ્ટ્રીયકૃત ઓઇલ કંપનીઓ દ્વારા રીટેઇલ આઉટલેટને જે ભાવે ડીઝલ મળે છે તે ભાવે સહકારી મંડળીઓને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. આ બાબત કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી આપની કક્ષાએથી અમારી વાતને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા યોગ્ય કરવા રજુઆતમાં જણાવાયું છે.

હાલમાં નવા ટેન્ડર મુજબ ભારત સરકાર માન્ય ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ દ્વારા માીમારોને ડીઝલનો જથ્થો પુરો પાડવામાં આવે છે તેથી કેન્દ્ર સરકાર તથા ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે આ વિષય ઉપર ચર્ચા કરી અને જીએફસીએ તથા અન્ય મંડળીઓને રીટેઇલ આઉટલેટ અને ફીશરીઝ આઉટલેટના ખરીદીભાવને એક સરખા કરી દેવાની યોજના કરી આપવા આ રજુઆતમાં જણાવ્યું છે.

(1:40 pm IST)