Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા : જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ.

-નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા મળી હતી ખાસ સાધારણ સભા નગરપાલિકાએ આધાર પુરાવાનું બહાનું આગળ ધરી દીધું, જવાબ આપવાને બદલે ઉંધા કાન પકડાવવા પ્રયાસ.

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ બાદ હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સરકાર પક્ષે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું જે અંતર્ગત મોરબી નગરપાલિકાને ગત તા. ૧૮ ના રોજ નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેવી નોટીસ આપી તા. ૨૫ સુધીમાં તમામ સદસ્યોનો લેખિત જવાબ માંગતા આજે મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા મળી હતી

  અગાઉ કોરોના મહામારી અને ચુંટણી તૈયારીના બહાના બનાવીને નાગરિકોના પ્રશ્ને સાધારણ સભા નહિ બોલાવનાર પાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યોએ પોતાના પગ તળે રેલો આવ્યો છે ત્યારે આજે ખાસ સાધારણ સભા બોલાવી હતી જેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના ૩૯ સદસ્યો હાજર રહ્યા હતા તો ૧૩ સદસ્યો ગેરહાજર રહ્યા હતા બોર્ડની શરૂઆત ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી કરવામાં આવી હતી અને બાદમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો
સરકાર તરફથી મળેલ નોટીસનો પાલિકાના ચૂંટાયેલા ૫૨ સદસ્યોએ જવાબ રજુ કરવાનો હતો જોકે પાલિકા પાસે જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા ના હોવાનું બહાનું ધરી દેવામા આવ્યું છે જે ઠરાવ કરવામા આવ્યો છે તેમાં જણાવ્યું છે કે સરકાર તરફથી મળેલી નોટીસમાં સરકાર તરફથી નગરપાલિકાની જવાબદારી નક્કી કરવામાં જે બાબતો રજુ થયેલ છે તેનું રેકર્ડ સરકારની નિયુક્ત તપાસ સમિતિએ જે તે સમયે હસ્તગત કરેલ છે અને સરકારની નોટીસમાં પણ નોટીસના મુદાઓ પરત્વેનું કોઈ સાહિત્ય કે આધારપત્રો નોટીસ સાથે આપવામાં આવેલ ના હોય આ બાબતે સરકાર દ્વારા આપવામાં આવેલ નોટીસના જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે અને સરકારમાંથી જરૂરી આધારપત્રો/સાધનિક કાગળો મળ્યેથી આ બાબતે જરૂરી જવાબ સરકારને રજુ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે અને નગરપાલિકાનો જવાબ રજુ થાય ત્યાં સુધી આ અંગે કોઈ નિર્ણય ન્યાયના હિતમાં ના કરવા સરકારમાં વિનંતી કરવામાં આવી છે
૧૩ સદસ્યો ખાસ સાધારણ સભામાં ગેરહાજર રહ્યા
આજે ખાસ સાધારણ સભામાં પાલિકાના ચૂંટાયેલા ભાજપના ૫૨ સદસ્યોમાંથી ૧૩ સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેમાં મનીષાબેન સોલંકી, સીતાબા જાડેજા, કુંદનબેન માકાસણા, કમલભાઈ દેસાઈ, ક્રિષ્નાબેન દસાડીયા, દિનેશભાઈ કૈલા, મેઘાબેન પોપટ, નરેન્દ્રભાઈ પરમાર, કેતનભાઈ રાણપરા, શીતલબેન દેત્રોજા, મંજુલાબેન દેત્રોજા, બ્રિજેશભાઈ કુંભરવાડિયા અને જયેશભાઈ વિડજા ગેરહાજર રહ્યા હતા
ગત જનરલ બોર્ડની પ્રોસીડીંગ નામંજૂર કરાઈ
મોરબી નગરપાલિકાની તમામ ૫૨ બેઠક પર ભાજપનો કબજો જોવા મળે છે જોકે આમ છતાં છેલ્લા ઘણા સમયથી પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું ના હતું અને પાલિકા સુપરસીડ અંગે કારણદર્શક નોટીસ મળતા આજે ખાસ સાધારણ સભા બોલાવવાની ફરજ પડી હતી ત્યારે આજના બોર્ડમાં નોટીસ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી તો ગત જનરલ બોર્ડની પ્રોસીડીંગ નામંજૂર કરવામાં આવી હતી

(1:13 am IST)