Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કચ્છનાં મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પૂર્વ સરપંચ જેલ હવાલેઃ પોણો કરોડ રૂપિયા અને જમીનનો મામલો હોવાની ચર્ચા

હજીયે ત્રણ પોલીસ કર્મીઓ શકિતસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા, અશોક કન્નડ ફરાર, ગઢવી યુવાનોને ચોરીના આરોપસર પોલીસે ગોંધી રાખ્યા હતા જે પૈકી બે ના મોત, એક સારવાર હેઠળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ઝડપાયેલા સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા છે. દરમ્યાન આ પ્રકરણમાં નવા કડાકા ભડાકા થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે, મુન્દ્રા પોલીસે સમાઘોઘા ગામના ત્રણ ગઢવી યુવાનોને ચોરીના આરોપસર ઝડપી ગેરકાયદે કસ્ટડીમાં ગોંધી રાખી માર મારતાં તેમાંથી બે યુવાનોના મોત નીપજયા હતા જયારે એક યુવાન હજી સારવાર હેઠળ છે. જોકે, બબ્બે યુવાનોના મોતને પગલે ગઢવી ચારણ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી આ પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવાની ઉગ્ર માંગ સાથે જમીન પ્રકરણ જવાબદાર હોવાનું જણાવાયું હતું. દરમ્યાન બબ્બે યુવાનોના મોતને કચ્છના અન્ય સમાજોએ પણ વખોડી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરીને મુન્દ્રા બંધને ટેકો આપ્યો હતો. જોકે, સમાદ્યોદ્યા ગામના પૂર્વ સરપંચના ઇશારે જમીન પ્રકરણ અંગે પોલીસ કર્મીઓએ ગઢવી યુવાનો ઉપર અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપો વચ્ચે આ પ્રકરણમાં જમીન તેમ જ પૈસાનો મુદ્દો જવાબદાર હોવાનું ચર્ચામાં છે.

સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાના રિમાન્ડ બાદ જમીન પ્રકરણ તેમ જ પોણો કરોડ રૂપિયા જવાબદાર હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, આ બાબતે પોલીસે નર્મદા નિગમ માંથી જમીન સંદર્ભે માહિતી મેળવવાનું શરૂ કર્યું છે. તો, મહેસૂલ વિભાગ દ્વારા પણ મામલતદાર કક્ષા એ માહિતી એકઠી કરાઈ રહી છે.

હવે આ પ્રકરણમાં ત્રણ ભાગેડુ પોલીસ કર્મીઓ કયારે ઝડપાશે તેની ચર્ચા છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જેમનો વહીવટ ચાલતો એવા ત્રણ પોલીસ કર્મીઓ શકિતસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા અને અશોક કન્નડ હજીયે ફરાર છે. તો કપિલ દેસાઈ પણ ફરાર છે.

બબ્બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ બાદ પણ સરકાર તેમ જ રાજકીય નેતાઓની ઉદાસી સામે ગઢવી ચારણ સમાજમાં ભારે રોષ છે.

(10:08 am IST)