Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કેશોદ ટ્રાફિક પોલીસની ઇમાનદારી

ઉનાનાં નિવૃત કર્મચારીનો મોટી રકમ સાથેનો ભુલાઇ ગયેલ થેલો પરત કરયો

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૩:  સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે લોકો જુદા-જુદા તર્ક વિતર્ક કરતાં હોય છે. ત્યારે કેશોદના ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સંદેશ આપ્યો છે કે પોલીસ વિભાગમાં પણ પ્રમાણિકતા મરી પરવારી નથી.

કેશોદ ટ્રાફિક પોલીસ નાં એએસઆઈ હાજાભાઈ રાઠોડ સાથે, ધર્મેશભાઈ વ્યાસ, ભરતભાઈ હડીયા, પ્રકાશભાઈ કરમટા, રાજેશભાઈ ચાવડા પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે એસટી બસ સ્ટેન્ડ પાસે બિનવારસી કપડાં નો થેલો હોવાની જાણ કરવામાં આવતાં ફોટોગ્રાફી કરી થેલો ખોલીને બિનઅધિકૃત વસ્તુઓ ન હોય મળેલ આધાર પુરાવા મુજબ ઉના ગામનાં રહીશ હસમુખલાલ વિષ્ણુપ્રસાદ ભટ્ટનો હોવાનું જાણવા મળ્યું હતું. ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણને હકીકત જણાવી ઉના પોલીસ ની મદદથી થેલાના મુળ માલીકને જાણ કરવામાં આવતાં તેઓ કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. ત્યારે તેઓના જણાવ્યા મુજબ ફિકસ ડિપોઝિટની રકમ પાકતા બેંક ખાતામાંથી ઉપાડેલી રકમ થેલામાં રાખી એસટી બસ મારફતે ઉના જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર કેશોદ બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા હતા. અને થેલો ભુલી ઉના પહોંચી ગયા હતા.

કેશોદનાં ટ્રાફિક પોલીસ દ્વારા ઉનાથી આવેલાં હસમુખભાઈ ભટ્ટ અને સાથે આવેલા પ્રતાપભાઈ જેઠાલાલ જાનીની ખરાઈ કરી રોકડા રૂપિયાનાં ત્રણ બંડલ જેમાં ૫૦૦ની નોટો ૧૦૯નું એક બંડલ,૫૦૦ની નોટો ૯૦નું એક બંડલ અને ૨૦૦ની નોટો ૧૦૦નું એક બંડલ મળીને રોકડા રૂપિયા ૧,૧૯,૫૦૦/- સહિત કપડાં અને આધાર પુરાવા પરત કરી ઈમાનદારી નો મીશાલ આપતો પ્રેરણાદાયક દાખલો બેસાડ્યો છે. જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના બ્રહ્મસેના-ગુજરાતનાં કન્વીનર રાજુભાઈ પંડ્યા એ કેશોદ ટ્રાફિક પોલીસને અભિનંદન આપ્યા હતા.

(1:08 pm IST)