Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ભુજના ભુજીયા ડુંગરમાં નિર્માણ પામતાં સ્મૃતિ વનને જોડતાં શહેરના મુખ્ય માર્ગનું પોણા બે કરોડને ખર્ચે થશે બ્યુટી ફિક્શન

વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, નગરપતિ ઘનશ્યામ રસિકભાઈ ઠકકરના હસ્તે ખાતમુહૂર્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે ભુજ એરિયા ડેવલપમેન્ટ (ભાડા) ગ્રાન્ટ અંતર્ગત આજરોજ સ્મૃતિવન ગેટ નં.૧ ભુજ પાસે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે જી.કે.જનરલ હોસ્પિટલથી નળ સર્કલ સુધી થનારા બ્યુટિફિકેશનના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

ભુજ નગરપાલિકા ભુજ એરિયા ડેવલોપમેન્ટ (ભાડા) ની ગ્રાન્ટમાંથી થનાર બ્યુટિફિકેશનથી પ્રવાસનનું હબ બનેલા ભુજ શહેરની શોભામાં વધારો થશે. ભુજિયાની બ્યુટી સાથે આ બ્યુટીફિકેશન અને આર.ટી.ઓ રિલોકેશન સાઇટ પણ દિપી ઉઠશે. કચ્છના પ્રવાસીઓ ભકિતધામ ભુજમાં ધાર્મિક, હેરિટેજથી તેમજ હમીરસર છલોછલ કરી ભગવાન સ્વામીનારાયણના સ્નાન સરોવરમાં નર્મદાના નીર ભરાવાથી લોકો પણ ખુશીથી છલકાશે. નગરપાલિકાના વિવિધ પ્રોજેકટ નજીકના સમયમાં પૂર્ણ કરવાના સતત પ્રયાસો ચાલુ છે. કાઉન્સીલરો પોતાને મળેલ હોદા કામોને કમિટમેન્ટ કરી વિકાસમાં યોગદાન આપી રહયા છે. લોકોને સમયસર પુરતું પીવાનું પાણી મળે તે માટે નગરપાલિકા પણ પ્રયત્નશીલ છે. વિવિધ વિકાસ કામોની ગ્રાન્ટને વિકાસમાં સહકાર આપવા સ્થાનિકેથી જ પ્રયત્નો મહત્વપૂર્ણ છે. આ બ્યુટિફિકેશનથી જયારે વડાપ્રધાન આવે ત્યારે આ ભુજિયાને હરિયાળું કરવાની નરેન્દ્રભાઇની ઈચ્છાને પૂર્ણ કરીએ.

ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકરે આ તકે જણાવ્યું હતું કે, ભુજિયા ડુંગર સામે ફૂટપાથ, ડિવાઈડર અને બ્યુટીફિકેશનનું કામ વિધાનસભા અધ્યક્ષાના સૂચનથી ભાડાની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહયું છે. રૂ.૫ કરોડના ચાર રિલોકેશન સાઈટના વિકાસ કામો પણ કરાશે. રૂ.૫૦ કરોડના વિવિધ વિકાસ કામો ભુજ શહેરમાં નજીકના સમયમાં આકાર પામશે. હાલે ભુજમાં પીવાના પાણીની વ્યવસ્થા એકાંતરે પુરું પાડવામાં સુચારૂ વ્યવસ્થાથી ચાલે છે. ટુંકાગાળામાં બ્યુટિફિકેશન પૂર્ણ કરાશે. નગરપાલિકાની ટીમ ભુજના વિકાસમાં નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે.

આભારવિધિ ઉપનગરપતિશ્રી રેશ્માબેન ઝવેરી અને કાર્યક્રમનું સંચાલનશ્રી મનુભા જાડેજાએ કર્યુ હતું.

આ તકે સર્વશ્રી ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, દંડકશ્રી અનિલભાઇ છત્રાળા, જગત વ્યાસ, શાસકપક્ષના નેતાશ્રી અશોકભાઇ પટેલ, અગ્રણી સર્વશ્રી વિજુબેન રબારી, ગોદાવરીબેન ઠકકર, બાલકૃષ્ણભાઇ મોતા, જયંતભાઇ ઠકકર, કમલભાઇ ગઢવી, રમીલાબેન પંડયા, ક્રિષ્નાબા જાડેજા, કેતનભાઇ ગોર, જવાહરભાઇ મોતા, ગીતાબેન રૂપારેલ, પૂજાબેન ઘેલાણી તેમજ ભુજ નગરપાલિકાના નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહયા હતા.

(9:47 am IST)